ગ્લોબલ વોર્મિંગ અને બદલાયેલા મૌસમથી મૃત્યુનું પ્રમાણ 37ટકાથી વધુ
હાથના કર્યા હૈયે વાગ્યા… પર્યાવરણમાં દખલગીરીની કિંમત હવે જીવ સટોસટની ચૂકવવી પડતી હોય તેવા સંજોગોનું નિર્માણ થઈ ચૂક્યું છે. દર ત્રણ વ્યક્તિના મૃત્યુમાં એકનું મૃત્યુનું કારણ બદલાયેલા હવામાનના કારણે થતો હોવાનો એક ચોકાવનારો અને આડેધડ પ્રકૃતિ સાથે છેડખાની કરનાર માનવી માટે લાલબત્તી સમાન રિપોર્ટ આવ્યો છે.
કુદરતી પર્યાવરણની બદલતી જતી પરિસ્થિતિને કારણે વૈશ્વિક ધોરણે હવે તેના માઠા પરિણામો આવવા લાગ્યા છે. માત્રને માત્ર હવામાનના બદલાવથી વર્ષે ત્રણ કરોડ જેટલા માનવીઓના અકાળે મૃત્યુ થઈ જાય છે. 1991 થી 2018ના સમયગાળામાં 43 દેશોમાં થયેલા ત્રણ કરોડ મૃત્યુમાં 37 ટકા મૃત્યુ પાછળ માનવસર્જીત પર્યાવરણની દખલગીરી અને ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાયેલા વાતાવરણને લઈને મૃત્યનું પ્રમાણ વધ્યું છે. દુનિયાના દરેક ખંડમાં પર્યાવરણના આવેલા બદલાવના કારણે મૃત્યુદર વધી રહ્યો છે. હજુ આ આંકડાઓ વધુ ભયંકર ચિત્ર ઉભુ કરે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. 70 વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હજારો મૃત્યુ માત્રને માત્ર પર્યાવરણની તબદીલી અને ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગના કારણે થતાં હોવાનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે.
આ અહેવાલમાં સમગ્ર વિશ્ર્વ માટે એક સમાન એવી ચેતવણી ઉચારવામાં આવી છે કે, ઔદ્યોગીક પ્રવૃતિ અને આડેધડ ખનનના કારણે પરિસ્થિતિ વધુ બગડી રહી છે. વધતું જતું સરેરાશ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સીયસ જેટલા તફાવતમાં મોટા અનર્થ સર્જાય છે. પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. દા.ત. શિકાગોમાં 31 ડિગ્રી તાપમાન હોય અને તેમાં 36 ટકા જેટલો વધારો થાય તો તેમાં અકાળે મૃત્યુનું પ્રમાણ વધી જાય છે. બર્લીનમાં આ ટકાવારી ઓછી હોય તો મૃત્યુદર પણ ઘટે છે.
વિશ્ર્વમાં વધતાં જતાં ગ્લોબલ વાર્મિંગની સૌથી માઠુ અસર દક્ષિણ યુરોપ, સ્પેન, ગ્રીસ, ઈટાલીમાં કલાઈમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે થતાં મૃત્યુમાં વધારો થાય છે. બીજી તરફ કુવૈત, થાઈલેન્ડ, ફીલીપાઈન્સ, દક્ષિણ એશિયાના અને મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પણ આ જ રીતે ગ્લોબલ વોર્મિંગથી મૃત્યુ વધે છે. દર ત્રણ વ્યક્તિએ એકના મોતનું કારણ ગ્લોબલ વાર્મિંગ હોવાનું બહાર આવ્યું છે.