બકરી ઈદ પહેલાના સમયે પશુની થાય છે ધૂમ ગેરકાયદે નિકાસ
રાજકોટના જીવદયા ઘરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત
ભારતમાંથી બાંગ્લાદેશ સરહદે પશુઓની ગેરકાયદે નિકાસ રોકવા તત્કાલ અને કાયમી પગલા લેવા રાજકોટના જીવદયા ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે. આગામી સમયમાં બકરી ઈદ આવી રહી હોવાથી પશુની ગેરકાયદે નિકાસ પૂરજોશથી ચાલી રહી હોય તત્કાલ પગલા લેવા માગણી કરાઈ છે.
જીવદયા ઘરે વડાપ્રધાનને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં બકરી ઈદ આવી રહી હોવાથી સરહદેથી બાંગ્લાદેશમાં મોટા પાયે પશુની ગેરકાયદે નિકાસ થઈ છે. તેમાં પણ જુલાઈની આખરમાં પશુની ગેરકાયદે નિકાસ ટોચ પર હોય છે. આ માસ દરમિયાન પશુ દાણચોરો પોતાના ઈરાદા પારપાડવા પશુઓ પર ભારે અત્યાચાર ગુજારતા હોય છે.
પશુ દાણચોરો પશુને ઈન્જેકશન આપે છે. અથવા તેના પુછડા કાપી નાખી અને તેના ઘા પર દબાણ કરે છે. જેના લીધે પશુ દર્દના માર્યા ઝડપથી ભાગવા લાગે છે. અને કોઈ પકડે એ પહેલા બાંગ્લાદેશની સરહદમાં ઘુસી જાય છે. પશુ દાણચોરો જુલાઈ માસની આખરમાં બેફામ બનતા હોવાથક્ષ આ પ્રવૃત્તિ રોકવી અત્યંત જરૂરી છે.
સરહદેથી બાંગ્લાદેશમાં થતી ગેરકાયદે નિકાસ રોકવા માટે બીએસએફ જવાનો પોતાનાથી બનતી કોશિષ કરે છે. આમ છતાં આવા દાણચોરો પોતાની પ્રવૃત્તિ છોડતા નથી.
પશુની ગેરકાયદે નિકાસમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનો ટેકો આપે છે. અને આવા દાણચોરોને મદદ કરે છે.
જીવદયા ઘરે વધુમાં જણાવ્યું છે કે આ પશુ દાણચોરો માત્ર પશુની જ દાણચોરી કરતા નથી પણ દેશની સુરક્ષા અને સલામતીને જોખમમાં મૂકે તેવી અન્ય પ્રવૃત્તિ પણ ચલાવે છે. આ ઉપરાંત ડ્રગ્સ, હથીયાર વગેરેની પણ હેરાફેરી કરે છે. વડાપ્રધાને આવી પશુઓની ગેરકાયદે નિકાસ રોકવા કડક પગલા લેવા આદેશ છતા આવા દાણચોરો બેફામ બની તેની પ્રવૃત્તિ વધારી રહ્યા છે.
જીવદયા ઘરે જણાવ્યું છે કે આખા દેશમાંથી ઉત્તર ભારત સુધી વાહનોમાં પશુની હેરાફેરી થાય છે.
ઉત્તર ભારતમા સરહદ નજીક પહોચે ત્યારે પેટ્રોલીંગ ટીમ પકડી શકે નહી તે માટે પશુઓને ખૂબ દોડાવવામાં આવે છે. આ માટે પશુઓને ડ્રગ્સ અપાય છે કે પૂછડુ કાપી નખાય છે કે પૂછડાને વળ આપીને ખૂબજ દોડાવાય છે.
બાંગ્લાદેશમાં ઈદ ઉપર પશુના સવાથી દોઢ લાખ ઉપજે છે
બાંગ્લાદેશ સરહદે પશુ દાણચોરીનો આ ધંધો ખૂબજ ફૂલ્યો ફાલ્યો છે.સામાન્ય સમયમાં દિવસોમાં જે પશુના રૂા.૪૦ હજારથી ૫૦ હજાર ઉપજતા હોય છે તે પશુના ઈદના સમયગાળામાં બાંગ્લાદેશમાં સવાથી દોઢ લાખ ઉપજે છે. પશુ દાણચોરોને પશુ દીઠ રૂા.૮ થી ૧૦ હજાર મળે છે. પશુ ગેરકાયદે નિકાસમાં સરહદે રહેતા રોહીગ્યનો પણ મોટો ફાળો છે તેમ જીવદયા ઘરે જણાવ્યું છે.