ખસીકરણ માટે શ્ર્વાનને પકડવા ગયેલી ઢોર પકડ પાર્ટી પર સ્થાનિક લોકોએ કર્યો હુમલો: પોલીસ ફરિયાદની તજવીજ

શહેરના વોર્ડ નં.૩માં આવેલા પરસાણાનગર વિસ્તારમાં આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી ખસીકરણ માટે શ્ર્વાનને પકડવા ગઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ કોર્પોરેશનના સ્ટાફ પર પથ્થરમારો કરતા ત્રણ કર્મચારીઓને સામાન્ય ઈજા થવા પામી છે. હાલ હુમલો કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા હાલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા ભટકતા શ્ર્વાનની ખસીકરણની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત આજે બપોરે શહેરના વોર્ડ નં.૩માં પરસાણાનગર વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી કુતરા પકડવા માટે ગઈ હતી.

ત્યારે સ્થાનિક લોકો ધસી આવ્યા હતા અને કોર્પોરેનના સ્ટાફ સાથે ઉગ્ર બોલચાલી કરી હતી. તેઓએ એવું કહ્યું હતું કે, આ કુતરાઓ ખરેખર અમને નડતરરૂપ નથી પરંતુ રાત્રીના સમયે અમારું રક્ષણ કરે છે છતાં કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીએ કુતરા પકડવાનો આગ્રહ રાખતા રોષે ભરાયેલા સ્થાનિક લતાવાસીઓએ કોર્પોરેશનના સ્ટાફ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ૩ કર્મચારીઓને સામાન્ય ઈજા થવા પામી હતી. પથ્થરમારા દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરસાણાનગરમાં ઘવાયેલા ઢોર પકડ પાર્ટીના ત્રણેય કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઢોર પકડ પાર્ટી પર હુમલો કરનાર પરસાણાનગરના રહેવાસીઓ સામે ફરજમાં કાવટની વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.