જમ્મુ-કાશ્મીરની પરાધિનતા જેવી સ્થિતિ માટે નિમીત બનેલી બંધારણની કલમ 370 દૂર કરીને કાશ્મીરને ખરા અર્થમાં આઝાદી અપાવવાના મોદી સરકારના સફળ પ્રયાસોથી દેશ વિરોધી તત્ત્વો મતી ખોઈ બેઠા છે. હજુ કાશ્મીરનો મુદ્દો સળગતો રાખવા પ્રજાને ગુમરાહ કરવાના પ્રયાસો થાય છે પરંતુ હવે તેમાં કોઈની કારી ફાવતી નથી. અલબત સુરક્ષાદળો માટે હવે આતંકીઓ કરતા પથ્થરબાજો વધુ પડકારરૂપ બન્યા હોવાનું ઈન્સ્પેકટર જનરલ વિજયકુમારે એકરાર કર્યો હતો.
કાશ્મીરના ઈન્સ્પેકટર જનરલ વિજયકુમારનું માનવું છે કે, પથ્થરબાજો કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે આતંકીઓ કરતા પણ વધુ પડકારરૂપ બન્યા છે.
સંવેદનશીલ ખીણ વિસ્તારમાં સમાજ વચ્ચે રહીને જનજીવનને ખોરવી નાખવાની મુરાદ મનમાં રાખનાર તત્ત્વોને જોકે પોલીસ હવે ઓળખી ચૂકી છે અને તેમની મુરાદ પુરી થતી નથી પરંતુ આતંકીઓ કરતા પથ્થરબાજ શાંતિ માટે વધુ જોખમી બની ગયા છે. રાજ્યમાં 2 કે 3 આતંકવાદી હુમલાઓ, શિક્ષણ, પ્રવાસન, યાત્રા કે, સમાજની આર્થિક વ્યવસ્થા પર કોઈ અસરકર્તા નથી પરંતુ પથ્થરમારાની ઘટના સામાન્ય જનજીવનને વધુ અસર કરે છે. પથ્થરબાજો જેટલા આતંકીઓ ઘાતક નથી રહ્યાં. અમે આતંકવાદીઓ સામે તો આકરામાં આકરી કાર્યવાહી કરીએ છીએ પરંતુ પ્રજા વચ્ચે રહેલા પથ્થરબાજો છટકી જાય છે તેમ શ્રીનગરમાં સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઈન્સ્પેકટર જનરલ વિજયકુમારે એકરાર કર્યો હતો.
પત્રકાર પરિષદમાં વિજયકુમારે સોંપિયાનમાં લશ્કર એ તોયબાના ચાર આતંકીઓને ઠાર મારી એક એકે-47 રાયફલ અને 3 પિસ્તોલ ઘટના સ્થળેથી કબજે કર્યાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે આતંકીઓને શરણે આવવા અને તેમના પરિવારજનોને સમજાવવા માટે અથડામણની જગ્યાએ પણ લાવ્યા હતા પરંતુ આતંકીઓએ ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું. મોતને ઘાટ ઉતરેલા આતંકીઓમાં રઈશ, અમીર, રતિબ અને આફતાબનો સમાવેશ થાય છે. આ ચારેય આતંકીઓ ઓકટોબરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન લશ્કર એ તોયબામાં જોડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ કાશ્મીરમાં આ વર્ષે 19 જેટલા આતંકીઓ ઠાર મરાયા હતા. જેમાં સોપિયાન, દક્ષિણ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ અથડામણમાં સુરક્ષાદળના ચાર જવાનો પણ શહિદ થયા હતા.