પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ત્રણ ટિયરગેસના સેલ છોડયા : લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પુન: પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના કલાકો પહેલા મહેસાણાના ખેરાલુમાંથી પસાર થઇ રહેલી રામયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો થતાં સ્થિતિ તંગ બની હતી. પોલીસે સ્થિતિ કાબુમાં લેવા ટિયર ગેસના ત્રણ સેલ છોડવા પડ્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઘટનાની જાણ થતાની સાથે જ રેન્જ આઈ.જી. અને એસ.પી. સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા.
અયોધ્યામાં શ્રીરામ લલ્લા આશરે 500 વર્ષ બાદ પુન: બિરાજમાન થયાં છે. સમગ્ર રાષ્ટ્ર્ર હાલ રામમય બની ગયો છે ત્યારે આ ઉત્સવ રૂપી હવનમાં હાડકા નાખવા અમુક અસામાજિક તત્વો રઘવાયા થયાં હોય તેવી રીતે મહેસાણાના ખેરાલુમાં શ્રીરામ યાત્રા પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે રામયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે એક ઘરની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ ધારાસભ્ય સરદાર ચૌધરી પણ યાત્રામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ રામયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો પણ જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક સહિત રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સમગ્ર ખેરાલુમાં ચુસ્ચ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. પથ્થરમારામાં કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન ત્રણ ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. હાલ પોલીસે આ મામલે 15 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી હતી.