ફતેહપુરા ગરનાળા પાસે શોભાયાત્રા પહોંચી ત્યારે અગાઉથી જ કાવતરૂં ઘડીને ઉભેલા ટોળાએ હુમલો કરતા નાશભાગ
હિન્દુઓ અને મુસ્લિમના ટોળા ઘાતક શસ્ત્ર સાથે આમને-સામને આવી જતાં વિફરેલા ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ
ગયા વર્ષે આણંદ અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો થયો હોવાથી પોલીસવડા વિકાસ સહાયએ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા પોલીસને એલર્ટ કર્યા હતા
દેશભરમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે ઠેર-ઠેર શ્રી રામના નારા સાથે શોભાયાત્રાઓ પણ નીકળી રહી છે. ત્યારે વડોદરાના ફતેહપુર ગરનાળા પાસે પણ રામનવમી નિમિતે શોભાયાત્રા નીકળી હતી. પરંતુ તે દરમિયાન અગાઉથી જ કાવતરૂં ઘડીને ઉભેલા ટોળાએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતા કોમી તંગદીલી ફેલાઇ છે. હિન્દુઓ અને મુસ્લિમોના ટોળા આમને-સામને ઘાતક હથિયાર વડે આવી જતા પોલીસે વિફરેલા ટોળાને કાબૂમાં લાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
ગયા વર્ષે પણ રામનવમી નિમિતે આણંદ અને ખંભાતમાં રામનવમીની નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેના પગલે આ વર્ષે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયએ રામનવમીની શોભાયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે હરેક જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ કર્યા હતાં. પરંતુ તેમ છતાં વડોદરામાં ફતેહપુરા પાસે ગરનાળા પોલીસ ચોકી પાસે જ ધાર્મિક સ્થળોમાં અગાઉથી હથિયારો સાથે ઉભેલા ટોળાએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતા વાતાવરણમાં તંગદીલી છવાઇ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાંજ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવ્યું હતું.
ફેતપુરા પાંજરીગર મહોલ્લા પાસે રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં પોલીસ કાફલો ઉતરી આવ્યો હતો. અને ગણતરીની મિનીટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થીતી ઉપર કાબુ મેળવી લીધો હતો. પોલીસે રોડ ઉપર ઉંધી પાડી દેવામાં આવેલી લારીઓ પણ સીધી કરી દીધી હતી. તે સાથે પોલીસે સંવેદનશિલ વિસ્તારોમાં તોફાનીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
વિશ્વહિંદુ પરિષદના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઇ રહી હતી. તે સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થર મારો શરૂ થયો હતો. ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થર મારો થયો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી.