આમ આદમી પાર્ટીએ ઘટના પાછળ ભાજપનો હાથ હોવાનો લગાવ્યો આરોપ
આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સુરતના કતારગામ વિસ્તારમાં રોડ શો યોજી રહ્યા હતા. ત્યારે કેજરીવાલની ગાડી પર પથ્થરમારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છેલ્લા દિવસોમાં રેલીઓની ભરમાર કરી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના રોડ શો દરમિયાન કતારગામમાં પથ્થરમારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલિયા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા એવા આરોપ લગાડવામાં આવ્યા છે કે, કતારગામમાં કેજરીવાલના રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ધર્ષણ થતાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી અને થોડા સમયમાં મામળો શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ આપએ ભાજપ દ્વારા પથ્થરમારો કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. જેમાં એક બાળકને ઈજા થઈ હોવાની તસવીર પણ પાર્ટીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં અરવિંદ કેજરીવાલ સોમવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. દરમિયાન વેપારીઓએ કરેલી કેજરીવાલે સ્વીકારી લીધી હતી. આ બાદ કતારગામ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. જેમાં અરવિંદ કેજરીવાલની ગાડી પર પથ્થરમારો થયો હોવાનું જાણવા મળ્યું છે.