ભારતીય શેરબજારનો પતંગ હાલ સાતમા આસમાને સ્થીર ચગી રહ્યો છે. આજે ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટીએ નવા કિર્તીમાન હાંસલ કર્યા હતા. રોકાણકારોના હૈયે હરખની હેલી જોવા મળી રહી છે. બેન્ક નિફટી અને નિફટી મીડ કેપ ઇન્ડેકસમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીય શેર બજાર મજબૂતી સાથે ઉભરી રહ્યું હોય વિશ્ર્વભરના રોકાણકારો ભારત તરફ વળ્યા છે. બીજી તરફ સ્થાનીક રોકાણકારો પણ અબજો રૂપિયા બજારમાં ઠાલવી રહ્યા છે. જેના કારણે સેન્સેકસ અને નિફટી રોજ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી રહ્યા છે.
બેન્ક નિફટી અને નિફટી મીડકેપ 100 માં પણ ભારે તેજી: રોકાણકારોમાં હરખની હેલી
આજે ઉઘડતી બજારે સેન્સેકસે 73 હજાર અને નિફટીએ રર હજારની સપાટી કુદાવી હતી. ભારતીય શેરબજારમાં એકધારી તેજી ચાલી રહી છે. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેકસે 73288.78 ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જયારે સરકીને 72909 સુધી આવી ગયો હતો જયારે નિફટીએ પણ રર હજારની સપાટી કુદાવી 22081.95 ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. અને સરકી 21963.55 સુધી આવી હતી. બેન્ક નિફટી અને નિફટી મીડ કેપ ઇન્ડેકસમાં પણ આગઝરતી તેજી રહેવા પામી હતી.
આજે તેજીમાં વિપ્રો, એરોબીન્ડો ફાર્મા, ઓરેકલ ફિન સર્વ, ટેક મહિન્દ્રા, એચ.સી.એલ. ટેક, ઇન્ફોસીસ, એચ.ડી.એફ.સી. બેંક સહીતની કંપનીના શેરોના ભાવમાં ભારે ઉછાળા જોવા મળ્યા હતા. જયારે તેજીમાં પણ એચ.ડી.એફ.સી. લાઇફ, ડિસ્ટોન ટેકનોલોજી, સન ટીવી નેટવર્ક, યુનાઇટેડ સ્પીરીટ સહિતની કંપનીના શેરના ભાવ તુટયા હતા. બુલીયન બજારમાં પણ તેજી રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાય જોવા મળી હતી.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 521 પોઇન્ટના ઉછાળા સાથે 73089 અને નિફટી 133 પોઇન્ટના ઉછાળા સાથે 22027 પોઇન્ટ સાથે કામકાજ કરી રહ્યા છે.