સૌથી પરિપક્વ લોકશાહી અમેરિકામાં વિવાદોના વમળના કારણે બજારમાં વોલેટિલિટી, ૨૦૦ પોઇન્ટના કડાકા બાદ માર્કેટ ઉછલ્યું
વિશ્વની સૌથી જૂની અને પરિપક્વ ગણાતી અમેરિકાની લોકશાહીમાં સર્જાયેલા વિવાદોના કારણે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ થઈ છે. સેન્સેક્સે આજે પહેલીવાર ૪૮ હજારની સપાટી વટાવી છે. એક સમયે સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનો કડાકો થયા બાદ ફરી ૩૨૦ સુધી ઊંચકાયું હતું. અત્યારે સેન્સેક્સ ૩૦૭ પોઈન્ટ વધીને ૪૮,૧૭૭ની સપાટીએ અને નિફ્ટી ૧૧૩ પોઈન્ટ વધીને ૧૪,૧૩૨ની સપાટીએ પહોંચી ગયા છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ ૧૯૦ લાખ કરોડને પાર થઈ ગઈ છે. ઈન્ડેક્સની તેજીને આઇસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, બજાજ, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લીડ કરી રહ્યા છે.
લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ ૧૯૦ લાખ કરોડને પાર
બજારમાં ચારેય બાજુ ખરીદીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ ૧૯૦ લાખ કરોડને પાર થઈ ગઈ છે. સોમવારે એક્સચેન્જમાં ૨,૩૩૦ કંપની વેપાર કરી રહી છે, જેમાં ૭૬ ટકા શેરોમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે.
નિફ્ટી ૧૪,૧૦૦ને પાર
બીજી બાજુ, નિફ્ટી પણ રેકોર્ડ સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ ૮૨.૬૫ અંકોની તેજી સાથે ૧૪,૧૦૧.૧૫ પર વેપાર કરી રહ્યો છે. ટાટા મોટર્સના શેર ૨.૭૬ ટકા ઉપર ૧૯૧ રૂપિયાના ભાવે વેપાર કરી રહ્યો છે. એ સિવાય ટાટા સ્ટીલ અને હિન્દાલ્કોના શેર પણ ૨-૨ ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે. તેજીને મેટલ શેર પણ લીડ કરી રહ્યા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં ૨.૧૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.