ઉઘડતા સપ્તાહે જ સેન્સેકસ 744 પોઈન્ટ અને નિફટીમાં 191 પોઈન્ટનો કડાકો: રૂપિયો પણ ડોલર સામે તુટયો
દેશની ટોચની આઇ.ટી. કંપની ઇન્ફોસીસના ત્રિમાસિક પરિણામો અપેક્ષાથી પણ નબળા આવવાના કારણે આજે ઉઘડતા સપ્તાહે ભારતીય શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેક અને નિફટી ઉંઘા માથે પટકાયા હતા અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તુટયો હતો આઇ.ટી. સેકટરમાં ભારે નરમાશ જોવા મળી રહી છે.
ઇન્ફોસીસીનું ત્રિમાસિક પરિણામ ખુબ જ નબળુ આવતા આજે ઉઘડતી બજારે ઇન્ફોસીસના શેરોના ભાવમાં 11 ટકાથી પણ વધારેનો કડાકો બોલી ગયો હતો. ઇન્ફોસીસીની સાથે આઇ.ટી. સેકટરની મોટાભાગની કંપનીઓ આજે રેડ ઝોનમાં કામ કરતી નજર પડતી હતી. ગત ગુરુવાર રૂ. 1389 સાથે બંધ રહેલા ઇન્ફોસીસના શેરના ભાવ આજે તુટીને રૂ. 1185.30 એ પહોંચી ગયા હતા. કંપનીનું કવાર્ટરલી રિઝસ્ટ ધાર્યા કરતાં પણ નબળુ આવ્યું હતું. જેના કારણે શેરના ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં જબરૂ ઘોવાણ થયું હતું. ઇન્ડા ડેમાં સેન્સેકસે 60 હજારની સપાટી તોડી હતી અને 59442.47 સુધી નીચે સરકી ગયો હતો. જયારે 60407.86 ઉપલી સપાટી હાંસલ કરી હતી. નીફટીમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતા. નિફટી આજે ર00 થી વધુ પોઇન્ટના કડાકા સાથે 17574.05 ની નીચલી સપાટીએ પહોંચી જવા પામી હતી. જયારે ઉપલી સપાટી 17863 રહેવા પામી હતી. બેન્ક નિફટી અને નિફટી મીડકેપ ઇન્ડેકસમાં પણ જોરદાર કડાકા જોવા મળ્યા હતા.
આજથી મંદીમાં પણ આરબીએલ બેન્ક, નેસ્ટેબે, ઇન્ટર ગ્લોબ, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા અને રીલાયન્સ જેવી કંપનીના શેરના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે ઇન્ફોસીસના ભાવમાં 11 ટકાથી પણ વધુનો ઘટાડો રહ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી, પીએન્ડબી, ટાટા સ્ટીલ, એમ ફાર્માસી અને વિપ્રો સહિતની કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તુટયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 744 પોઇન્ટના ઘટાડા સાથે 59687 અને નિફટી 191 પોઇન્ટના ઘટાડા સાથે 17637 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બુલીયન બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જયારે ચાંદીના ભાવમાં ઘટાડો રહ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા 9 પૈસાની નરમાશ સાથે 81.94 પર ટ્રેક કરી રહ્યો છે.