- નિફ્ટી પણ 24,829ના સ્તરને સ્પર્શી: સેન્સેક્સ સવારે રેડ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનમાં 769.35 પોઈન્ટ ઉછળ્યો
આઇટી સેક્ટરના સારા પરિણામો તેમજ અમેરિકામાં સકારાત્મક પરિબળોના કારણે શેરબજાર ફરી તેજીથી ઝુમી ઉઠ્યું છે. ભારતીય શેરબજાર સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ સંકેતો સાથે સતત આગેકૂચ કરી રહ્યા છે.શેરબજારે આજે એટલે કે 18 જુલાઈના રોજ સતત બીજા ટ્રેડિંગ દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 81,485ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,829ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સ લગભગ 730 પોઈન્ટના વધારા સાથે 81,450 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીમાં પણ લગભગ 200 પોઈન્ટનો ઉછાળો છે. 24,810 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બેંકિંગ અને આઈટી સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. આ પહેલા મંગળવારે પણ બજારે સર્વકાલીન ઊંચાઈ બનાવી હતી. જ્યારે ગઈકાલે એટલે કે બુધવારે મોહરમની રજાના દિવસે બજાર બંધ હતું.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.99% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.41% નીચે છે. હોંગકોંગનો હેંગસેંગ 0.05% ઉપર છે. બુધવારે અમેરિકન બજારમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 243 પોઈન્ટ (0.59%) વધીને 41,198 પર બંધ થયો હતો. જ્યારે નસદાક 512 (2.77%) પોઈન્ટ વધીને 17,996 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સે સવારે નેગેટીવ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનમાં 769.35 પોઈન્ટ ઉછળી 81485.9ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. જો કે, નિફ્ટી હજી 25000નુ લેવલ ક્રોસ કરી શક્યો નથી. નિફ્ટી 249829.35ના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 2 ટકા ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. બીએસઈ ખાતે 270 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 230 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા હતા. 24 શેર્સ વર્ષના તળિયે અને 287 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. પરંતુ રોકાણકારોની મૂડી 1 લાખ કરોડ ઘટી છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3983 શેર્સમાંથી 1379માં સુધારો અને 2508માં ઘટાડો માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે સાવચેતીની હોવાનો સંકેત આપે છે. વોલેટિલિટી ઈન્ડેક્સ નિફ્ટી વિઆઈએક્સ પણ 2.43 ટકા ઉછાળા સાથે 14.57 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી દર્શાવે છે. એચડીએફસી બેંક, રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, આઇસીઆઇસીઆઇ બેંક અને બજાજ ફાઇનાન્સ બજારને નીચે ખેંચી રહ્યા છે. જ્યારે ઈન્ફોસીસ, ટીસીએસ, એક્સિસ બેંક, સન ફાર્મા અને એસબીઆઈ બજારને ઉપર ખેંચી રહ્યા છે.
આ પહેલા મંગળવારે એટલે કે 16 જુલાઈના રોજ બજારે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 80,898ની ઊંચી સપાટી બનાવી અને નિફ્ટીએ 24,661ની ઊંચી સપાટી બનાવી. આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 51 પોઈન્ટના વધારા સાથે 80,716 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 26 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 24,613ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ગઈકાલે એટલે કે બુધવારે મોહરમની રજાના કારણે આજે શેરબજાર બંધ હતું.