ભારતના વિકાસમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 3,085 કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદતા શુક્રવારે શેરબજાર રેકોર્ડબ્રેક ઊંચાઈએ
ભારતના વિકાસમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. વિદેશી ભંડોળનો ધોધ વહેતા શેરબજાર ટનાટન બની રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 3,085 કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદતા શુક્રવારે શેરબજાર રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચ્યું હતું.
અમેરિકી બજારોમાં મજબૂત તેજીને કારણે સ્થાનિક રોકાણકારો તરફથી હકારાત્મક લાગણીઓ જોવા મળી હતી કારણ કે શુક્રવારે ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યા બાદ યુએસ ફેડરલ રિઝર્વે પણ બુધવારે વ્યાજ દરમાં 10 વખત વધારો કર્યા બાદ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સમાચાર બાદ રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી.
સેન્સેક્સ 466.95 પોઈન્ટ વધીને 63,384.58ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબારમાં એક તબક્કે તે 602.73 પોઈન્ટ વધીને 63,520.36 પર પહોંચ્યો હતો. ગયા વર્ષે 1 ડિસેમ્બરે સેન્સેક્સની અગાઉની ઊંચી સપાટી હતી જ્યારે ઈન્ડેક્સ 63,284.19 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 137.90 પોઈન્ટ વધીને 18,826ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.
નિફ્ટીનો અગાઉનો રેકોર્ડ હાઈ લેવલ 18,812.50 પોઈન્ટ હતો. પીએસયુ બેંક ઈન્ડેક્સની સાથે સાથે કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર અને આઈટી સેક્ટરના શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. કલ્યાણ જ્વેલર્સનો શેર 15 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી, ચીનના શાંઘાઈ કમ્પોઝીટ અને હોંગકોંગના હેંગસેંગ ઊંચા બંધ રહ્યા હતા. યુરોપિયન બજારો પણ બપોરના સત્રમાં ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. એક દિવસ પહેલા ગુરુવારે અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી.
તેના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બીએસઇ માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ. 292.73 લાખ કરોડ થયું છે. બંધના સંદર્ભમાં, બંને ઇન્ડેક્સ પ્રથમ વખત આ સ્તરે બંધ થયા છે. આ સિવાય નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ પણ ઈન્ટ્રાડેમાં રેકોર્ડ હાઈએ સ્પર્શી ગયો હતો. સેન્સેક્સ ગ્રૂપમાં સમાવિષ્ટ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, બજાજ ફિનસર્વ, ટાઇટન, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચયુએલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત વિપ્રો, ટીસીએસ, પાવર ગ્રીડ અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો થયો હતો.