શેર્સના ભાવમાં 400 ટકાથી વધુનો ઊછાળો લાવી આપનારા માર્કેટ ઓપરેટર્સને 7 ટકા કમિશન આપવાની ઓફર થઈ હોવાનો ઘટસ્ફોટ : તપાસનો ધમધમાટ

શેરબજારની બદબુ એશિયન ગ્રેનિટોને આભડી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. તેના શેર્સના ભાવમાં 400 ટકાથી વધુનો ઊછાળો લાવી આપનારા માર્કેટ ઓપરેટર્સને 7 ટકા કમિશન આપવાની ઓફર થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ દિશામાં હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આવકવેરાના દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી અમદાવાદ, મોરબી, હિમ્મતનગરની કંપની એશિયન ગ્રેનિટોના શેર્સના ભાવમાં 400 ટકાથી વધુનો ઊછાળો લાવી આપનારા માર્કેટ ઓપરેટર્સને 7 ટકા કમિશન આપવાની એશિયન ગ્રેનિટોએ ઑફર કરી હતી.  શેરબજાર કંપનીઓની આવકમાં અને નફામાં થતાં સુધારાને આધીન નહિ, પરંતુ માર્કેટ ઓપરેટર દ્વારા કરવામાં આવતી નાણાંકીય રમતનું જ પરિણામ છે. ઇનસાઈડર ટ્રેડિંગના કારણે રોવાનો વારો રોકાણકારોને આવે ચર્સ.

એશિયન ગ્રેનિટોના સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલા શેરનો ભાવ રૂ. 50થી  વધારીને રૂ. 250 સુધી લઈ જવા માટે ચાર માર્કેટમાં ચાર તબક્કામાં ઊછાળો લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ સાત ટકા સુધીનું કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ આયોજનને અમલમાં મૂકવાની કામગીરી સુરતના શેરદલાલ ચિરાગ મોઢ, અમદાવાદના રિતેશ ભંડારી, સમીર શાહ, અતુલ શાહને સોંપવામાં આવી હતી.  આ આયોજનના અમલીકરણામાં સેજલ શાહની પણ ચોક્કસ ભૂમિકા હોવાનું આવકવેરા ખાતાના અધિકારીઓએ એશિયન ગ્રેનિટો અને તેની સાથે સંકળાયેલા એન્ટ્રી પ્રોવાઈડર સંકેત શાહ, દિપક શાહ અને રૃચિત શાહ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન બહાર આવ્યું છે.  આ માર્કેટ ઓપરેટર્સે અન્ય કંપનીઓના શેર્સના ભાવ ઊછાળવાની કામગીરી પણ કરી છે. એશિયન ગ્રેનિટોએ સપ્ટેમ્બર ઓક્ટોબર 2021માં કરેલા રાઈટના ઇશ્યૂમાં પણ મોટી અનિયમિતતા આચરવામાં આવી હોવાના દસ્તાવેજી પૂરાવાઓ આવકવેરા અધિકારીઓના મળ્યા છે. કંપનીએ તેના થકી પણ મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ કર્યું હોવાનું આવકવેરા અધિકારીઓને દરોડા દરમિયાન હાથ લાગેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી જાણવા મળી રહ્યું છે. 2.25 કરોડ શેરનો રાઈટનો ઇસ્યૂ લાવ્યા હતા. તેના મારફતે રૂ. 224.64 કરોડ ઊભા કરવામાં આવ્યા હતા. રૂ. 10ની મૂળ કિંમતનો શેર રૂ. 100ના ભાવથી ઓફર કરવામાં આવ્યો હતો. શેરબજારમાં કંપની અને તેમના મળતિયા માર્કેટ ઓપરેટર્સ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓના દસ્તાવેજી પુરાવાઓ કેન્દ્રના નાણાં મંત્રાલયને અને સિક્યુરોટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડના અધિકારીઓને મોકલીને તેમનો રિપોર્ટ 15 દિવસમાં જ મળી જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિભાગે ગુરુવારે વહેલી સવારથી જ એશિયન ગ્રેનિટો લિમિટેડ પર શોધ શરૂ કરી હતી.  સૂત્રોએ જણાવ્યું કે 40 જગ્યાઓ પર સર્ચ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અધિકારીઓ હવે 36 બેંક લોકરની સામગ્રીની તપાસ કરશે. અત્યાર સુધીમાં ત્રણ લોકર ખોલવામાં આવ્યા છે જેમાંથી 2 કિલો સોનાના બુલિયન અને દાગીના સહિત રૂ.5 કરોડની કિંમતી ચીજવસ્તુઓ મળી આવી છે.  તદુપરાંત, અમદાવાદ અને સુરતમાં વિવિધ જગ્યાઓમાંથી રૂ. 20 કરોડની રોકડ પણ મળી આવી છે. જેના સંદર્ભમાં દસ્તાવેજો માંગવામાં આવ્યા છે.  સર્ચ દરમિયાન આશરે રૂ. 100 કરોડના જમીન સોદાની વિગતો પણ મળી આવી છે. ’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.