મજબૂત અર્થતંત્રના સહારે તેજીના ટ્રેક પર એકધારૂં દોડતું ભારતીય શેરબજાર છેલ્લા બે દિવસથી મહામંદીની ગર્તામાં ધકેલાય ગયું છે. આજે સતત બીજા દિવસે શેરબજારમાં મંદીની સુનામીએ હાહાકાર મચાવી દીધો હતો. વિદેશી રોકાણકારો દ્વારા ગઇકાલે ગુરૂવારે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10578 કરોડનો માલ ફૂંકી મારવામાં આવ્યો હતો.
એફઆઇઆઇ દ્વારા ધુમ વેચવાલીથી તેજીના ટ્રેક પર દોડતુ શેરબજાર મંદીના માર્ગ
ભારતીય શેરબજારમાં ગઇકાલે રેકોર્ડબ્રેક કડાકા બોલી ગયા હતા. વૈશ્ર્વિક બજારોમાં મંદી અને પ્રોફીટ બુકીંગની અસરના કારણે સેન્સેક્સ અને નિફ્ટી તુટ્યા હતા. આજે સતત બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં રહ્યું હતું. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 71 હજારની સપાટી તોડી હતી અને 70665.50ના નીચલા લેવલ સુધી પહોંચી ગયો હતો. જ્યારે ઉપલી સપાટી 71190.85ની રહી હતી. જ્યારે નિફ્ટીએ પણ 21500ની સપાટી તોડી હતી. ઇન્ટ્રાડેમાં 21285.55ના નીચલા લેવલે પહોંચ્યા બાદ થોડી રિક્વરી જણાતા 21474.40 સુધી પહોંચી હતી.
બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપમાં પણ કડાકા બોલી ગયા હતા. ઓરકલ ફીન સર્વ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડુઝ ટાવર્સ, ટાટા કોમ્યુનીકેશન, એપટસ વેલ્યુ, ગ્લેક્ષો સ્મીથ ક્લીન, પીજીબીએલ જેવી કંપનીના શેરના ભાવ મહામંદીમાં પણ ઉંચકાયા હતા. જ્યારે એલટીઆઇ મીડટ્રી, આઇઇએક્સ, આઇસીઆઇસીઆઇ, પ્રુડેન્શીયલ, એચડીએફસી બેન્ક, વોડાફોન આઇડીયા સહિતની કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 389 પોઇન્ટના ઘટાડા સાથે 71228 પોઇન્ટ અને નિફ્ટી 99 પોઇન્ટના ઘટાડા સાથે 21467 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.