સેન્સેક્સે 65000ની સપાટી જ્યારે નિફ્ટીએ 19,500ની સપાટી તોડતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ
ફીચ દ્વારા અમેરિકાનો રેટીંગ ડાઉન ગ્રેડ કરવામાં આવતા ભારતીય શેરબજારમાં શરૂ થયેલી મંદીની સુનામી આજે વધુ વેગવાન બની હતી. આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 65,000 અને નિફ્ટીએ 19,500નું લેવલ તોડતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. સતત બીજે દિવસે બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
ગઇકાલે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1000થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સતત ત્રીજા દિવસે બજારમાં મંદીની મોકાણ જોવા મળી હતી. અમેરિકા સહિત વિશ્ર્વભરના શેરબજારોમાં તોતીંગ ગાબડાં પડ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 65,000ની સપાટી તોડી હતી અને 64,963.08 સુધીના લેવલ સુધી સરકી ગયો હતો. જો કે, ત્યારબાદ નીચા મથાળે થોડી લેવાલી નીકળતા સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં ફરી 65,820.82 સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ તોતીંગ કડાકા જોવા મળ્યા હતા.
આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટીએ 19,500ની સપાટી તોડી હતી. એક તબક્કે 19296.45 લેવલ સુધી સરકી ગઇ હતી. જો કે, ત્યારબાદ 19,537.65 સુધી ઉપર આવી હતી. અમેરિકાનું રેટીંગ ઘટતા ભારતીય શેરબજાર પર ખૂબ જ નેગેટીવ અસર જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં પણ 600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે મહામંદીમાં પણ ડિક્સોન ટેકનોલોજી, ઇન્ડિયા બૂલ્સ હાઉસીંગ, લોરેસ લેબ, લુપીન જેવી કંપનીના શેરોના ભાવમાં 7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
જ્યારે વૈદાંતા, ગોધરેઝ પ્રોપર્ટીઝ, ડેલ્ટા કોર્પોરેશન, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ બેંક, પીએનબી, વોડાફોન-આઇડીયા સહિતની કંપનીઓના ભાવ તૂટ્યા હતા. શેરબજારમાં મંદી જોવા મળી રહી છે તો બીજી તરફ બૂલીયન બજારમાં પણ આજે સામાન્ય મંદી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 755 પોઇન્ટના ઘટાડા સાથે 65034 અને નિફ્ટી 205 પોઇન્ટના ઘટાડા સાથે 19321 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 22 પૈસાની નરમાશ સાથે 82.80 પર ટ્રેડ કરી રહ્યો છે.