બન્ને કંપનીઓના આઈપીઓએ રોકાણકારોના રૂપિયા પખવાડિયામાં જ બમણા કરી દીધા: સેન્સેક્સે 53000ની સપાટી તોડી
જી.આર.ઈન્ફ્રા પ્રોજેકટ અને ક્લીન સાયન્સ કંપનીનું આજે ધમાકેદાર લીસ્ટીંગ થવા પામ્યું છે. રોકાણકારોએ રોકેલા નાણા માત્ર એક પખવાડિયામાં જ બમણા થઈ ગયા છે. છતાં આજે ઉઘડતા સપ્તાહે શેરબજારમાં મંદીની મોકાણ જોવા મળી હતી. સેન્સેકસે 53000ની સપાટી ગુમાવતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોય. હજુ સારી સારી કંપનીના આઈપીઓ આવી રહ્યાં હોય ત્યારે બજારમાં મંદીનો માહોલ શરૂ થતાં રોકાણકારોના જીવ પડીકે બંધાયા છે.
જી.આર.ઈન્ફ્રા પ્રોજેકટ અને ક્લીન સાયન્સના આઈપીઓ બાદ આજે આ બન્ને કંપનીનું લીસ્ટીંગ થવા પામ્યું હતું. જેમાં રોકાણકારોના નાણા માત્ર એક પકડવાડિયામાં બમણા થઈ જતાં ઈન્વેસ્ટરો ખુશ ખુશાલ થઈ ગયા છે. એક તરફ આ બન્ને કંપનીએ જે ભાવે રોકાણકારોને શેર આપ્યા હતા. લીસ્ટીંગ તેના બમણા ભાવે થવા પામ્યું છે. છતાં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો બોલી જતાં સેન્સેકસે 53000ની સપાટી ગુમાવી હતી તો નિફટીમાં પણ આજે જબરા કડાકા જોવા મળ્યા હતા.
બુલીયન બજારમાં બે તરફી માહોલ રહ્યો હતો. સોનામાં ઉછાળો રહ્યો હતો તો ચાંદીમાં નરમાશ જોવા મળી હતી. આજે અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ 20 પૈસા તુટ્યો હતો. જી.આર. ઈન્ફ્રા પ્રોજેકટ અને કલીન સાયન્સના શેરો 100 ટકાના ઉછાળા સાથે કામકાજ કરતા નજરે પડ્યા હતા. ઈન્ટ્રાડેમાં સેન્સેકસે 52506 પોઈન્ટની નીચેલી સપાટી હાસલ કરી હતી.
જ્યારે નિફટી આજે 15436 પોઈન્ટ સુધી નીચે સરક્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 369 પોઈન્ટના કડાકા સાથે 52770 અને નિફટી 97 પોઈન્ટના ઘટાડા સાથે 15826 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 20 પૈસાના નરમાશ સાથે 74.76 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેકસે ફરી એક વખત 53000 પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા રોકાણકારોમાં થોડી ચિંતા વ્યાપી જવા પામી છે.