ભારતીય શેરબજારમાં મંદીએ અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્વના કારણે બજાર મંદીમાંથી બેઠું થવાનું નામ લેતું નથી.
આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 64 હજારની સપાટી તોડતા રોકાણકારોમાં દહેશત વ્યાપી જવા પામી છે. વાયદાના શેરોની સરખામણીએ રોકડામાં ભારે કડાકા બોલી ગયા હતા.
સેન્સેક્સમાં 490થી વધુ અને નિફ્ટીમાં 150થી વધુ પોઇન્ટનો કડાકો: બેંક નિફ્ટી અને મિડકેપ ઇન્ડેક્સ ઉંધા માથે પટકાયા
આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ અનેક પ્રતિકૂળ પરિબળોના કારણે બજાર થોડીવારમાં રેડ ઝોનમાં ગરકાવ થઇ ગયું હતું. આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 64 હજારની સપાટી તોડી હતી અને 63912.16 સુધી સરકી ગયો હતો.
જ્યારે ઉપલી સપાટી 64,787.08ની રહેવા પામી હતી. નિફ્ટીમાં પણ આજે તોતીંગ કડાકા બોલી ગયા હતા. એક તબક્કે એવું લાગતું હતું કે નિફ્ટી પણ આજે 19 હજારની સપાટી તોડશે પરંતુ 19074.15 સુધી સરક્યા બાદ થોડી રિક્વરી જોવા મળી હતી. ઉપલી સપાટી 19347.30 રહેવા પામી હતી. આજે બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતા. આજની મંદીમાં પણ ડેલ્ટા, કોર્પોરેશન, ટોરેન્ટ ફાર્મા, નાલ્કો, સીજી ક્ધઝ્યુમર જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ફોસીસ, પાવર ફાઇનાન્સ, ગોધરેજ પ્રોપર્ટી, એચડીએફસી બેંક, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, વોડાફોન-આઇડીયા અને પીએનબી સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 498 પોઇન્ટના કડાકા સાથે 64073 અને નિફ્ટી 152 પોઇન્ટના કડાકા સાથે 19129 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. બૂલીયન બજારમાં પણ મંદી જોવા મળી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયોમાં સામાન્ય તેજી છે.