ગઈકાલે પ્રોફીટ બુકિંગના કારણે ૬૦૦ પોઈન્ટ સુધી સેન્સેકસ ગગડી જતા આજે હરિયાળી છવાઈ
ગઈકાલે સેન્સેકસમાં જોવા મળેલા પ્રોફીટ બુકિંગના કારણે ટોચના શેરો ગબડી ગયા હતા. સેન્સેકસમાં ૬૦૦ પોઈન્ટ સુધીનું ગાબડુ પડ્યું હતું. પરિણામે રોકાણકારો મુંઝાઈ ગયા હતા. અલબત આજે બજાર ઉઘડયા બાદ ૪૦૦ પોઈન્ટ સુધી ઉછળતા રોકાણકારોને હાશકારો થયો છે.
આજના બીજા ટ્રેડીંગ દિવસના પ્રથમ સત્રમાં જ શેરબજાર ગગડી જાય તેવા સંકેતો મળ્યા હતા. પરંતુ એકાએક બજાર ઉંચકાવા લાગ્યું હતું અને આજે સેન્સેકસમાં ૪૦,૫૫૫ હાઈ જોવા મળ્યો હતો. આજે નીચેલી સપાટી ૩૯,૯૭૮ની રહી હતી. ઘણા સમયથી સેન્સેકસ ૪૦,૦૦૦ અંકની આસપાસ જ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૪૦,૦૦૦થી નીચે પટકાયો હતો. જ્યારે આજે ૪૦,૦૦૦થી ૫૦૦ પોઈન્ટ ઉંચકાયો છે.
આજે કોટક મહિન્દ્રા, નેસ્લે, એશિયન પેઈન્ટસ, બજાજ ફાયનાન્સ, એનટીપીસી અને એકસીસ બેંક ૩ ટકાથી લઈ ૧૨.૫ ટકા સુધી ઉછળ્યા હતા. આજે બેંકિંગ એન્ડ ફાયનાન્સ સેકટરમાં ફૂલ ગુલાબી તેજી જોવા મળી હતી. ઓટોમેટીવ સેકટર પણ ૧.૪૩ ટકા જેટલા દરે આગળ વધ્યું હતું. બીજી તરફ ટેકનોલોજીમાં કડાકો બોલી ગયો હતો. નિફટી પણ આજે ૧૨૦ પોઈન્ટથી વધ્યો હતો. આ લખાય છે ત્યારે નિફટી ફીફટી ૧૧૮૮૭ના આંક પર ટ્રેડ થઈ રહી છે.