એક તબક્કે સેન્સેક્સ 56900 સુધી પહોંચી ગયા બાદ ઉંચા મથાણે વેચવાલીનું દબાણ વધ્યું
અબતક, રાજકોટ
ભારતીય શેરબજાર માટે આજે મંગળવાર મંગળકારી સાબિત થયો છે. આજે શેરબજારમાં તેજી પરત ફરી હતી તો બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂિ5યો પણ મજબૂત બન્યો હતો. એક તબક્કે સેન્સેક્સ 56900 સુધી પહોંચી જતાં એવું લાગી રહ્યું હતું કે આજે સેન્સેક્સ 57000ની સપાટી ઓળગશે પરંતુ ત્યારબાદ ઉંચા મથાણે થોડીક વેચવાલીનું દબાણ વધતાં બજારમાં સુધારો પાછો ફર્યો હતો.
ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં તોતીંગ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાતાં રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. દરમિયાન આજે મંગળવાર શેરબજાર માટે મંગળકારી સાબિત થયો હતો. ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતાં. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 56900ની સપાટી સુધી પહોંચી ગયો હતો. એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે આજે ફરી સેન્સેક્સ 57000ની સપાટી હાંસલ કરી લેશે પરંતુ ત્યારબાદ બજાર પર વેચવાલીનું દબાણ વધવા પર ઉંચા મથાણેથી ઇન્ડેક્સ પાછો ફર્યો હતો અને 56047 સુધી નીચે આવી ગયો હતો. નિફ્ટીએ પણ આજે 17000ની સપાટી હાંસલ કરવા માટે ઘણી મથામણ કરી હતી પરંતુ 16936નો ઇન્ટ્રા-ડે હાઇ બનાવી નિફ્ટી 16688 સુધી નીચે સરકી ગઇ હતી. છેલ્લાં ઘણા સમયથી અમેરિકી ડોલર સામે એક ધારો તૂટતો ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યો હતો. આજની તેજીમાં એચસીએલ ટેક, વિપ્રો, યુપીએલ, હિદાન્કો, સીઇઇન્ફો, રિલાયન્સ, ઝી-એન્ટરટેન અને આઇસીઆઇસીએ બેંકના જેવી કંપનીના શેરોના ભાવમાં 1 થી 38 ટકા સુધીનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે તેજીમાં પણ પાવર ગ્રીડ કોર્પોરેશન, એક્સીસ બેંક, સિપ્લા, બજાજ ફાયનાન્સ, જીટીએલઇન્ટ્રા અને રતન પાવર જેવી કંપનીના શેરોના ભાવમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં બે તરફી માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ ઉંચકાયા હતાં.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 615 ઉછાળા સાથે 56437 અને નિફ્ટી 188 પોઇન્ટના ઉછાળા સાથે 16802 પર કામકાજ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 34 પૈસાની મજબૂતાઇ સાથે 75.56 પર ટ્રેડ કરી રહ્યો છે.