અબતક, રાજકોટ
યુક્રેઇન અને રશિયા વચ્ચે યુદ્વના ભણકારા, અમેરિકા દ્વારા વ્યાજદરોમાં કરવામાં આવનાર વધારો, કેન્દ્રીય બજેટમાં કેપીટલ ગ્રેઇન ટેક્સમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે તેવી દહેશત અને વિદેશી મૂડીરોકાણો દ્વારા બેફામ વેચવાલીના કારણે આજે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં મંદિની સૂનામી જોવા મળી હતી. આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ ઉંધામાથે પટકાયું હતું. સેન્સેક્સે 57,000 પોઇન્ટની તોડી હતી જ્યારે નિફ્ટી પણ 17,000ની નીચે ગરકાવ થઇ ગઇ હતી. છેલ્લાં પાંચ દિવસમાં સેન્સેક્સમાં 4,000થી પણ વધુનો તોતીંગ કડાકો બોલી જતાં રોકાણકારો ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં પણ જબ્બરૂં ધોવાણ જોવા મળ્યું હતું.
અમેરિકી ડોલર સામે રૂપિયો રાંક
એફઆઇઆઇ દ્વારા ધૂમ વેચવાલી, અમેરિકા દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના, યુક્રેઇન અને રશિયા વચ્ચે યુદ્વની દહેશત અને કેન્દ્રીય બજેટમાં કેપીટલ ગ્રેઇનમાં વધારો કરવામાં આવે તેવી ભીતીના પગલે બજારમાં મહામંદી
ગત્ સપ્તાહે 61,475ની સપાટી હાંસલ કર્યા બાદ મંગળવારથી સતત ચાર દિવસ સુધી ભારતીય શેરબજારમાં મંદિનું વાવાઝોડું ફૂંકાયું હતું. એફઆઇઆઇ દ્વારા પુષ્કળ વેચવાલી, અમેરિકા બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી દહેશત, રશિયા અને યુક્રેઇન વચ્ચે વાગી રહેલા યુદ્વના ભણકારા અને મોદી સરકાર દ્વારા આગામી કેન્દ્રીય બજેટમાં કેપીટલ ગ્રેઇનમાં વધારો કરવામાં આવે તેવી સંભાવનાને કારણે બજારમાં મંદિ વધુ વિકરાળ બની રહી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે જ મુંબઇ શેરબજારના બંને ઇન્ડેક્સ ઉંધેકાંધ પટકાયા હતાં.
સેન્સેક્સ એક તબક્કે 59,023.97ના લેવલ સુધી પહોંચી ગયા બાદ મંદિની સુનામી આવતાં 56,984.01 સુધી નીચો પટકાયો હતો. આજે સેન્સેક્સમાં 2035 પોઇન્ટની અફરા-તફરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીએ પણ આજે 17,000ની સપાટી તોડી હતી. એક તબક્કે આજે ઇન્ટ્રા-ડેમાં 17,599.40 સુધી પહોંચી ગયેલી નિફ્ટી મંદિના મહા વાવાઝોડામાં 16,997.85એ સરકી ગઇ હતી. નિફ્ટીમાં પણ આજે 602 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. 18મી જાન્યુઆરીએ સેન્સેક્સ 61,475 પોઇન્ટ પર પહોંચી ગયો હતો અને 56,989 સુધી આવી ગયો હતો.
આજની મહા મંદિ વચ્ચે પણ સિપ્લા તથા ઓએનજીસીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બાકી મોટાભાગના સેક્ટરલ ઇન્ડેક્સમાં 2 થી લઇ 5 ટકા સુધીનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. આગામી દિવસોમાં પણ હજી બજારમાં કડાકા ચાલુ રહે તેવું માનવામાં આવી રહ્યું છે. બૂલીયન બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવ ઊંચકાયા હતાં. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું જબરૂં ધોવાણ થઇ ગયું હતું. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1902 પોઇન્ટના કડાકા સાથે 57134 અને નિફ્ટી 576 પોઇન્ટના કડાકા સાથે 17041 પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 24 પૈસાની નબળાઇ સાથે 74.66 પર ટ્રેડ કરી રહ્યું છે.