લોક-ઓપનમાં સતર્કતા નહી જળવાય તો મહામારી વકરવાની ભીતિ અને ૨ લાખ જેટલા સ્થળાંતરિતોએ મુંબઈ છોડી દેતા આર્થિક ભવિષ્ય ધુંધળુ: રોકાણકારો મુંઝાયા
આગામી ૧૭મીથી ધીમી ગતિએ લોકડાઉન ખુલશે તેવી અપેક્ષાઓ છે. લોક-ઓપન વચ્ચે મહામારી ફરીથી માથુ ઉંચકે ઉપરાંત મુંબઈ જેવી આર્થિક રાજધાનીમાંથી મોટાભાગના સ્થળાંતરિતો વતન જવા રવાના થઈ જતાં ભવિષ્યમાં આર્થિક સ્થિતિ વધુ કફોડી બને તેવી ભીતિ વચ્ચે આજે શેરબજારમાં ફરીથી કડાકો જોવા મળ્યો છે. સેન્સેકસ આજે ખુલતાની સાથે જ ૧૦૦૦ પોઈન્ટ જેટલો ગગડી ગયો હતો. ત્યારબાદ ધીમી ગતિએ ફરી રિકવર થવાનો પ્રયત્ન કર્યો હતો. અલબત બેન્કિંગ-ફાયનાન્સ, ઓઈલ-ગેસ અને ઓટો સેકટરમાં આવેલા ફફડાટના પગલે રોકાણકારો મુંઝાયા હતા.
એક તરફ બજાર ખુલતા તરફ જઈ રહી છે. લોકડાઉનને ધીમેથી નાબૂદ કરવાની તૈયારીઓ થઈ રહી છે. જેના કારણે જોખમી પરિણામો ભોગવવા પડશે તેવી ભીતિ છે. હાલ ૨ લાખથી વધુ સ્થળાંતરિતોએ મુંબઈ છોડી દીધુ હોવાનું જાણવા મળે છે. રિક્ષાવાળાથી લઈ મજૂર વર્ગના લોકો મુંબઈ છોડી રહ્યાં છે. પરિણામે લાંબા સમય માટે મુંબઈમાં આર્થિક ઉપાર્જન મુદ્દે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ તમામ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને માર્કેટ પડી રહ્યું છે. ભવિષ્યમાં વધુ આર્થિક અંધાધૂંધી ફેલાય તેવી ભીતિના કારણે આજે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.
આ લખાય છે ત્યારે માર્કેટ ૫૦૦ પોઈન્ટ તૂટેલુ છે અને રિકવર થવાનો પ્રયાસ કરે છે. આજે ટાટા સ્ટીલ (-૩.૭૪ ટકા), એચડીએફસી બેંક (-૩.૩૬ ટકા), કોટક મહિન્દ્રા (-૨.૯૮ ટકા), મારૂતિ સુઝુકી (-૨.૭૫ ટકા), એચયુએલ (-૨.૬૦ ટકા) તુટી ગયા હતા. આજે બેન્કિંગ અને ફાયનાન્સ સેકટરમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. ઓઈલ અને ગેસ સેકટરમાં મંદી ઉડીને આંખે વળગી હતી. નોન-ડયુરેબલ સેકટરમાં ૨.૬૧ ટકાનો કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત નિફટી-ફીફટીમાં પણ ૧૪૦ પોઈન્ટ તૂટી છે. આજે નિફટી-ફિફટી ૯૦૦૦ આંકના સપોર્ટથી ફરીથી ઉછળી હતી. આ લખાય છે ત્યારે નિફટી-ફીફટી ૯૧૦૦ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. નિફટી-ફિફટીના જીએસડબલ્યુ, કોટક મહિન્દ્રા, ગેઈલ, ઓએનજીસી અને આઈસીઆઈસી બેંક સહિતના શેરમાં મસમોટા ગાબડા જોવા મળ્યા છે.