બજારમાં સતત ત્રીજા દિવસે તેજીનો કરંટ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 30 પૈસા મજબૂત
ભારતીય શેરબજારમાં આજે ત્રીજા દિવસે તેજીનો કરંટ જોવા મળ્યો હતો. સેન્સેક્સે આજે 57000 અને નિફ્ટીએ 17000ની સપાટી કૂદાવતાં રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 30 પૈસા મજબૂત બન્યો હતો.
આગામી દિવસોમાં તેજી યથાવત રહે તેવું જાણકારો માની રહ્યાં છે.સપ્તાહના આરંભે ગત સોમવારે શેરબજારમાં મંદીની સુનામી ફૂંકાયા બાદ છેલ્લાં 3 દિવસથી બજારમાં સતત તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. આજે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે ફરી એક વખત 57000 પોઇન્ટની સપાટી કૂદાવી હતી અને ઇન્ટ્રા-ડેમાં 57490.52ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.
જ્યારે નિફ્ટી પણ આજે 17000ની સપાટી ઓળંગવામાં સફળ રહી હતી અને 17118.65ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.આજની તેજીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, આઇટીસી, આઇઓસી, ઓએનજીસી, મેન્ડપ્લસ હેલ્થ કેર, બજાજ ફાયનાન્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ડેવીસ લેબ, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતીય એરટેલ, હિદાલ્કો, જી-એન્ટરટેઇન અને રિલાયન્સ કંપનીના ભાવો તૂટ્યા હતા. બૂલીયન બજારમાં પણ આજે તેજી વર્તાઇ હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 365 પોઇન્ટના ઉછાળા સાથે 57296 અને નિફ્ટી 105 પોઇન્ટના ઉછાળા સાથે 17060 પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 30 પૈસાની મજબૂતી સાથે 75.25 પર ટ્રેડ કરી રહ્યો છે.