નિફટી પણ ૯૫ પોઈન્ટ અપ: ડોલર સામે રૂપિયો ૧૪ પૈસા નબળો
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. ગઈકાલે આઈ. આર. સી. ટી. સી. નાં લીસ્ટીંગનાં કારણે બજારમાં તેજીને બળ મળ્યું હતું તો આજે વૈશ્ર્વિક બજારોમાં જોવા મળેલી તેજીનાં કારણે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ઉંચકાયા હતા. જોકે અમેરિકી ડોલર સામે રૂપિયામાં ૧૪ પૈસા જેવી નબળાઈ દેખાઈ હતી.
આજે સપ્તાહનાં બીજા દિવસે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. વૈશ્ર્વિક બજારોમાં મજબુતાઈનાં કારણે દિવસભર તેજી જળવાઈ રહી હતી. આઈસર મોટર, વેદાન્તા, જી એન્ટરટેઈન, હીરો કોપનાં શેરોનાં ભાવમાં ૪ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જોકે આજે તેજીમાં પણ ભારતી એરટેલ, ઈન્ફોર્સીસ, યુપીએલ, બજાજ ફીણસરનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો નબળો પડયો છે. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૨૦ કલાકે સેન્સેકસ ૩૬૪ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૮,૫૭૮ અને નિફટી ૧૦૬ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૪૪૭ પર ટ્રેડ કરી રહ્યા છે.