- રોકાણકારોના હૈયા હરખની હેલી…
- ભારતની મજબૂત અર્થ વ્યવસ્થાના સહારે શેરબજારમાં આગ ઝરતી તેજી: નિફ્ટી બેન્ક નિફ્ટી પણ સર્વોચ્ચ શીખરે
ભારતના મજબૂત અર્થતંત્રના સહારે શેર બજારમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે. આજે મુંબઈ શેર બજારનાં બીએસઈ ઈન્ડેકસે નવા કિર્તીમાન પ્રસ્થાપિત કર્યા છે. સેન્સેકસે આજે પ્રથમવાર 80 હજાર પોઈન્ટની ઐતિહાસીક કુદાવતા રોકાણકારોના હૈયે આનંદની હેલી વ્યાપી જવા પામી હતી. નિફટી પણ આજે સર્વોચ્ચ સપાટી હાંસલ કરવામાં સફળ રહી હતી. એકધારી તેજીથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. તેજી હજી વધુ મજબુત બને તેવા આસાર મળી રહ્યા છે.
કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બન્યા બાદ ભારતીય શેર બજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે. જૂન માસમાં જીએસટી કલેકશનનાં રેકોર્ડબ્રેક આંકડાઓ ઓટો મોબાઈલ્સ સેકટરમાં સારા પરિણામો ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટમાં રિટેઈલ ઈન્વેસ્ટરો માટે ખાસ અને મોટી જાહેરાત કરવામા આવે તેવી સંભાવના કારણે શેરબજાર તેજીના ટ્રેક પર દોડી રહ્યું છે.
આજે ભારતીય શેર બજારમાં નવો જ કિર્તીમાન રચાયો હતો. સેન્સેકસ, નિફટી અને બેંક નિફટી એમ ત્રણેય મુખ્ય ઈન્ડેકસે નવી લાઈફ લાઈન હાઈ સપાટી હાંસલ કરી હતી આજે સેન્સેકસે પ્રથમવાર 80 હજારની ઐતિહાસીક સપાટી હાંસલ કરી હતી અને ઈન્ટ્રાડેમાં 80074.30નો નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. જયારે સરકીને નીચે 79754.95 સુધી આવી ગયો હતો. નિફટીએ પણ આજે નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી નિફટીએ 24307.25 પોઈન્ટનો નવો હાઈ બનાવ્યો હતો. નીચે સરકી 24207.10 સુધી આવી ગ હતી આજે બેંક નિફટીએ પણ 53256 પોઈન્ટની નવી સપાટી મેળવી હતી. આજે શેર બજારમાં તેજીની આગેવાની એચડીએફસી બેંકે લીધી હતી એચડીએફસીનાં સારા ત્રિમાસીક પરિણામોના કારણે ત્રણેય ઈન્ડેકસમાં ઉછાળા જોવા મળ્યા હતા.
આજની તેજીમાં પાવર ફાઈનાન્સ ફેડરલ બેંક, એચડીએફસી બેંક, આરઈસી, આઈસીઆઈસીઆઈ બેંક, એકિસસ બેંક, વોડાફોન, આઈડીયા, એચડીએફસી ફર્સ્ટ બેંક, કેન્ટ્રોલ, ગુજરાત પીપાવાવ, ગ્લેન માર્ક લાઈફ, હિટાચી ઈન્ડીયા સહિતની કંપનીનાં શેરોનાં ભાવમાં તોતીંગ ઉછાળા નોંધાયા હતા. જયારે અમુક કંપનીઓનાં શેરોના ભાવ તુટયા હતા.
દેશભરમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતા 6 દિવસ વહેલુ બેસી ગયું છે. જેના કારણે શેરબજારમાં તેજીને વધુ બળ મળ્યું છે. સાથે સાથે જીએસટી કલેકશનના રેકોર્ડ બ્રેક આંકડાઓનાં કારણે તેજી વેગવાન બની છે. જો બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા રોકાણકારો માટે કોઈ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે તો શેર બજારમાં તેજીનો આખલો વધુ ભુરાયો થશે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 494 પોઈન્ટના ઉછાળા સાથે 79935 અને નિફટી 149 પોઈન્ટના ઉછાળા સાથે 24272 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બેંક નિફટી 963 પોઈન્ટના વધારા સાથે 53132 ઉપર ટ્રેડ કરી રહ્યા છે.