વિદેશી રોકાણકારો દ્વારા બેફામ વેચવાલી અને વૈશ્ર્વિક બજારોમાં મંદીના કારણે ભારતીય શેરબજારમાં પણ મંદીનો માહોલ
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતે ટ્રેડીંગ સેશનમાં મંદીનું વાવાઝોડું ફૂંકાયું હતું. સેન્સેક્સે 60 હજાર અને નિફ્ટીએ 18 હજારની સપાટી તોડતાં રોકાણકારોમાં જબ્બરો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બેંક નિફ્ટી પણ ઉંધામાથે પટકાઇ હતી. જ્યારે બૂલીયન બજારમાં તેજી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂિ5યો પટકાયો હતો.
વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી રોકાણ પરત ખેંચવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમેરિકી ફેડરલ બેંક દ્વારા વ્યાજના દરોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વૈશ્ર્વિક મંદીના કારણે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સે 60 હજારની સપાટી તોડી 59674.44ના લેવલે પહોંચી ગયો હતો. જ્યારે દિવસ દરમિયાન 60,537.63 સુધી ઉંચકાયો હતો.
બજારમાં 900થી વધુ પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. જ્યારે નિફ્ટીએ પણ આજે 18 હજારની સપાટી તોડી હતી અને 17995.55ના લેવલ સુધી ગરકાવ થઇ ગઇ હતી. જો કે ઉંચકાઇને 18047.40 ઉપર પણ આવી હતી. આજે એસ્ટ્રલ લિમીટેડ, મેક્સ ફાઇનાન્સ, હેવલ્સ ઇન્ડિયા, અમરરાજ સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એલઆઇસી હાઉસીંગ, ડાબર ઇન્ડિયા, એ.બી.કેપિટલ અને પી.વી.આર.ના ભાવ તૂટ્યા હતાં.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 675 પોઇન્ટના ઘટાડા સાથે 59691 અને નિફ્ટી 188 પોઇન્ટના ઘટાડા સાથે 17804 પર કામકાજ કરી રહી છે. જ્યારે ડોલર સામે રૂપિયો 11 પૈસાની નરમાશ સાથે 82.67 પર ટ્રેડ કરી રહ્યો છે.