બજાર ખુલતાની સાથે સેન્સેકસમાં ૪૫૦ પોઈન્ટનો ઉછાળો: ફાયનાન્સ, ઓઈલ-ગેસ અને ઓટોમેટીવમાં લેવાલી
શેરબજારમાં સતત બીજા દિવસે પણ તેજીનું તોફાન ફરી વળ્યું છે. આજે સેન્સેકસ ખુલ્યા બાદ ૩૭૯૨૦ની સપાટી સુધી ઉછળ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૬૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૮૦૦ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. આજે મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ, એચડીએફસી, કોટક મહિન્દ્રા અને એકસીસ બેંક સહિતના શેરના ભાવ ૧.૬૦ ટકાથી ૩.૪૫ ટકા સુધી ઉછળ્યા છે.
આજે બજાર ખુલતાની સાથે જ બેન્કિંગ અને ફાયનાન્સ તેમજ ઓઈલ અને ગેસ સેકટરમાં વેચવાલી જામી હતી. આ ઉપરાંત ઓટો સેકટર પણ રોકાણકારોનું પસંદગીનું સેકટર રહ્યું હતું. બજારમાં તેજીનો માહોલ જામતા રોકાણકારો પણ ગેલમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગત ટ્રેડીંગ અઠવાડિયામાં પણ ઉપરા-ઉપરી સેન્સેકસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થયો હતો. ચાલુ અઠવાડિયે પણ સતત બીજા દિવસે વેચવાલીના સ્થાને લેવાલીનું જોર રહ્યું હતું. મહામારી દરમિયાન સેન્સેકસમાં અનેક એવા ગાબડા પડ્યા હતા જે ઐતિહાસિક ગણવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, તાજેતરમાં રિલાયન્સની એજીએમ દરમિયાન અંબાણી પરિવાર દ્વારા થયેલી જાહેરાતોની અસર પણ હવે શેરબજારમાં દેખાઈ રહી છે. શેરબજારમાં હજુ લેવાલીનું જોર રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ખાસ કરીને રિલાયન્સ, આઈટીસી સહિતની કંપનીના શેરમાં રોકાણકારોનો વિશ્ર્વાસ વધ્યો છે. ઓએનજીસી, બજાજ ઓટો અને ઈન્ફોસીસ સહિતની કંપનીના શેરમાં આજે પણ લેવાલી જોવા મળી હતી.
સેન્સેકસની જેમ નિફટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી આજે ખુલતાની સાથે જ ૧૧૧૬૪ ના હાઈએ પહોંચી હતી. આ લખાય છે ત્યારે નિફટીમાં ૧૨૫ પોઈન્ટનો ઉછાળો છે. નિફટીના બીપીસીએલ, આઈસર મોટર અને આઈઓસી સહિતના શેરમાં ધોમ લેવાલી જોવા મળી છે. નિફટી બેંક અને નિફટી મીડકેપમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.