સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધતા બજાર ગણતરીની મિનિટોમાં રેડ ઝોનમાં ઘુસી ગયું
ભારતીય શેર બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધવાના કારણે ગણતરીની મિનિટોમાં બજાર રેડઝોનમાં ગરકાવ થઈ ગયું હતુ. સેન્સેકસમાં 500થી વધુ પોઈન્ટની અફરાતફરી બોલી ગઈ હતી અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો આજે 14 પૈસા તુટયો હતો. બજારમાં ભારે વોલેટાળીટી જોવા મળતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આજે સપ્તાહના બીજી ટ્રેડીંગ સેશનમાં ભારતીય શેર બજારનાં બંને આગેવાન ઈન્ડેકસો સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખૂલ્યા હતા. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે 61475.15ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી જોકે ઉંચા મથાળે ફરી વેચવાલીનું દબાણ વધવાના કારણે બજાર ગણતરીની મીનીટોમાં રેડઝોનમાં ગરકાવ થઈ ગયું હતુ અને 61 હજારની સપાટી તોડી સેન્સેકસ 60948.04 પહોચી ગયો હતો. જયારે આજે નિફટીએ ઉઘડતી બજારે 18350.95ની સપાટી હાંસલ કરી હતી ત્યારબાદ બજાર તુટતા નિફટી 18186.20ની નીચલી સપાટીએ પહોચી ગઈ હતી. આજે બેંક નિફટીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
આજે શેર બજારમાં ઉતારચઢાવ વચ્ચેના માહોલમાં એકિસસ બેંક, બીપીસીએલ, એચએફડીસી, અને ટાઈટન કંપનીના શેરના ભાવમાં વધારો નોંધાયો હતો. જયારે આઈસર મોટર્સ, મારૂતી સુઝુકી, અલ્ટ્રાટેક સીમેન્ટ, અને ટાટા જેવી કંપનીના શેરોનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ ગણતરીની મીનીટોમાં મંદીનો ઓછાયો છવાતા રોકારકારોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 212 પોઈન્ટના ઘટાડા સાથે 61096 અને નિફટી 75 પોઈન્ટના ઘટાડા સાથે 18232 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીંય રૂપીયો 16 પૈસાની નબળાઈ સાથે 74.40 પર ટ્રેડ કરી રહ્યા છે. જે રિતે આજે બજારનો રૂખ ચાલી રહ્યો છે. તે જોતા દિવસભર ઉતાર ચઢાવ યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે.