નિફટી ૧૫૦૦૦ની સપાટીથી નીચે ઓએનજીસી, ટાટા સ્ટીલ, એસબીઆઈ અને ટાટા મોટર્સ સહિતના ટોચના શેર ધોવાયા
કેન્દ્રીય બજેટની અસરના કારણે શેરબજારમાં લાંબા સમય સુધી ફુલ ગુલાબી માહોલ જોવા મળ્યો હતો. આર્થિક ગતિવિધિની સકારાત્મક અસર થશે તેવી અપેક્ષાએ આંતરરાષ્ટ્રીય મુડી રોકાણ વધ્યું હતું. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા પણ ભારતનો વિકાસ બે આંકડે રહેશે તેવી આશા વ્યકત થઈ હતી. આ તમામ ઉજળા પાસાના કારણે સેન્સેકસમાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું.
જો કે હવે ટ્રેડીંગ સપ્તાહના અંતિમ દિવસે વેંચવાલી જોવા મળી છે. જેના પરિણામે સેન્સેકસમાં ૬૦૦ પોઈન્ટનું ગાબડુ પડ્યું છે. વર્તમાન સમયે એક્ષચેન્જમાં ૩૦૦૨ શેરમાં કારોબાર થઈ રહ્યો છે. જેમાંથી ૧૪૧૩ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. લીસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ ઘટીને ૨૦૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગત ૧૮ ફેબ્રુઆરીએ આ માર્કેટ કેપ ૨૦૫.૯૩ લાખ કરોડ હતી. ગ્લોબલ માર્કેટમાં પણ ભારે વેંચવાલીની અસર જોવા મળી છે. જેની અસર ભારતીય બજારને થઈ છે. હોંગકોંગનો હેંગસેંગ, ઓસ્ટ્રેલીયાનો ઓલ ઓર્ડીનરીઝ, કોરીયાનો કોસ્પી, ચીનનો સાંઘાઈ કંપોઝી સહિતના આંતરરાષ્ટ્રીય માર્કેટ ૧-૧ ટકા ઘટ્યા છે.
વર્તમાન સમયે સેન્સેકસમાં ૫૮૭ પોઈન્ટનો ઘટાડો છે. સેન્સેકસ ૫૦૭૭૩ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફટી ૧૪૧ પોઈન્ટના કડાકા સાથે ૧૪૯૭૭ની સપાટીએ ટ્રેડ થઈ છે. બેંક નિફટી અને મિડકેપમાં ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે. પાવર ગ્રીડ કોર્પ. આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો, એકસીસ બેંક, એશિયન પેઈન્ટસ સહિતના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઓએનજીસી ૪.૯૩ ટકા જેટલો તૂટી ગયો છે. ટાટા સ્ટીલ પણ ૪ ટકાનું ગાબડુ પડ્યું છે. એસબીઆઈ ૩.૮૯ ટકાના ઘટાડા સાથે ૩૯૯ રૂપિયાની સપાટીએ ટ્રેડ થયો છે. આજે મોટા પ્રમાણમાં શેર રેડ ઝોનમાં ટ્રેડ થયા છે.
સેન્સેકસમાં કડાકા વચ્ચે એકમાત્ર રાહતની બાબતમાં ક્રુડમાં આવેલ ઘટાડો છે. આજે ક્રુડ ઓઈલ ૮૦ રૂપિયા ઘટ્યું હતું જેના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત મળે તેવી ધારણા છે. દરમિયાન આજે સોના અને ચાંદીમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે.