બેન્કિંગ અને આઈટી સેકટર પર ભારે વેચવાલીનું દબાણ: નિફટી ૫૮૦ તૂટી: આઈસીઆઈસીઆઇ બેંક, હિદાંલકો, બજાજ ફાઇનાન્સ અને વેદાંતામાં ગાબડા
લોકડાઉન-૩ના પ્રથમ દિવસે ઉઘડતી બજારે જ શેરબજારમાં તોતીંગ કડાકો બોલી જતાં રોકાણકારોના જીવ ફરીથી તાળવે ચોંટી ગયા છે. થોડા સમય પહેલા તેજીના ચમકારાથી શેરબજારમાં ૨ થી ૩ હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અલબત ત્યારબાદ આજે એકાએક ૨૧૦૦ પોઈન્ટ સુધી શેરબજાર પટકાયું છે. બપોરે ૩ કલાકની સ્થિતિ સેન્સેકસ ૨૦૦૪ પોઈન્ટ ગગડીને ૩૧૭૧૨ના આંક પર ટ્રેડ થઈ રહ્યો છે.
બીજી તરફ નિફટી-ફીફટીમાં પણ તડાફડી બોલી ગઈ છે. બપોરે નિફટી-ફીફટીમાં ૫૮૦ પોઈન્ટનું ગાબડુ જોવા મળ્યું હતું. નિફટી-ફીફટી ૯૨૮૦ની સપાટીએ પહોંચી ગયો હતો. આજે બેંક નિફટી અને નિફટી મીડકેપમાં પણ વેચવાલીનું મોજુ જોવા મળતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. વૈશ્ર્વિક શેરબજારના પગલે આજે ભારતીય શેરબજારમાં પણ અફરા-તફરી બોલી ગઈ હતી. આઈસીઆઈસી બેંક ૧૧ ટકા, હિંદાલકો ૧૧ ટકા, વેદાંતા ૧૦.૭૦ ટકા, બજાજ ફાયનાન્સ ૧૦.૮૧ ટકા સુધી ગગડી ગયા હતા. આજે ભારતી એરટેલ, શિપલા, સનફાર્મા અને ડોકટર રેડડી જેવા શેરમાં થોડા અંશે તેજી જણાય હતી. અન્ય શેરોમાં મોટા-મોટા ગાબડા જોવા મળ્યા હતા.
રિલાયન્સ, નેસલે, ટીસીએસ, ઓનજીસી, આઈટીસી, એશિયન પેઈન્ટસ, એસસીએલ ટેક. એચડીએફસી, એકસીસ બેંક, મારૂતી સુઝુકી, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાઈટન અને એચડીએફસી બેંક સહિતના શેરમાં ગાબડા પડ્યા હતા. બેન્કિંગ એન્ડ ફાયનાન્સ સેકટર, ઓઈલ, ગેસ અને ઓટોમેટીવ સેકટરમાં કમરતોડ ફટકો પડ્યો હતો. આજે દિવસ ખુલતાની સાથે જ શેરબજાર ધીમી ગતિએ નીચે પટકાવવા લાગ્યું હતું.
નોંધનીય છે કે, વૈશ્ર્વિક શેરબજારમાં પણ છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહામારીના કારણે ઈમ્પોર્ટ એક્ષપોર્ટ પર મોટા પ્રમાણમાં અસર થતાં ભારતીય બજારમાં પણ ગાબડાનો ઈતિહાસ જોવા મળ્યો છે. એક સમયે સેન્સેકસ ૨૫ થી ૨૬ હજારની સપાટીએ પહોંચશે તેવી સ્થિતિ જોવા મળી હતી. આવા સંજોગોમાં ફરીથી સેન્સેકસમાં આજે ફરી કડાકો બોલી ગયો છે.
જબરી વેંચવાલીના કારણે બેંક અને આઈટી સેકટર પર ભારે અસર ઉભી થઈ હતી. આજે સેન્સેક્સમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ૨૧૦૦ પોઇન્ટનું ગાબડુ પડતા રોકાણકારોના કરોડો રૂપિયા માત્ર ગણતરીની કલાકોમાં જ ધોવાઇ ગયા હતા.