ઈન્ટ્રા-ડેમાં 60,361.82 પોઈન્ટની સપાટી હાંસલ કર્યા બાદ સેન્સેક્સ 59552.49 સુધી નીચે સરક્યો: નિફટીમાં પણ ભારે ધોવાણ
ભારતીય શેરબજારમાં આજે કાળી ચૌદશે મંદીનો કકળાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 800થી વધુ અને નિફટીમાં 230થીવધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. તહેવારના દિવસોમાં સોનુ અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે 18 પૈસા જેટલો મજબૂત બન્યો હતો.
આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો ઉછાળા સાથે ખુલ્યા હતા. જો કે ઉંચા મથાળે વેંચવાલીનું દબાણ વધવાના કારણે બજારમાં સુધારો ધોવાઈ ગયો હતો અને ગણતરીની કલાકોમાં જ બજાર ફરી રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયું હતું. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 60,361.82ની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. જ્યારે સરકીને 59,552.49એ આવી ગયો હતો.આમ આજે બજારમાં 809 પોઈન્ટની અફરા-તફરી રહેવા પામી હતી.
નિફટીમાં પણ ભારે વોલેટાઈલ જોવા મળ્યું હતું. ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ નિફટી 17988.75ના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યા બાદ 17757.95 સુધી નીચે સરકી હતી. 231 પોઈન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આજની મંદીમાં લાર્સન, અલ્ટ્રાટેક સીમેન્ટ, યુપીએલ અને હિન્દાલકો જેવા કંપનીના શેરના ભાવમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સનફાર્મા, ઈન્ડુસીન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા કંપનીના ભાવો 4 ટકા સુધી તૂટ્યા હતા. બુલીયન બજારમાં પણ આજે મંદીના ઓછાયા છવાયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 348 પોઈન્ટના ઘટાડા સાથે 59,680 અને નિફટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 17,796 પર કામકાજ કરી ર્હયાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 74.50 પર ટ્રેડ કરી રહ્યો છે.