ઉઘડતી બજારે સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 185 પોઇન્ટનો તોતીંગ કડાકો
ચીનમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે ફરી લોકડાઉનના ભણકારા અને વિશ્ર્વભરના શેરબજારોમાં મહામંદીના અણસારના કારણે આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઇ હતી. આજે ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ નબળો પડ્યો હતો.
આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી હતી. અમેરિકી શેરબજાર અને એશિયન બજારમાં મંદીના કારણે મુંબઇ શેર બજારના બંને આગેવાન ઇન્ડેક્સો પટકાયા હતા. ઉઘડતી બજારે સેન્સેક્સ 61131.26ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. આજે સેન્સેક્સ 61 હજારની સપાટી તોડે તેવી સંભાવના જણાય રહી છે.
જ્યારે નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઉઘડતી બજારે 18210.30ની સપાટીએ પહોંચી ગઇ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ થયું હતું. ચીનમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. સતત કેસ વધી રહ્યાં છે અનેક શહેરોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મીની લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. જેના કારણે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ-100માં પણ ઘટાડા નોંધાયા હતા.
આજે બજારમાં મહામંદી છતા એવુ સ્મોલ ફાઇનાન્સ, કોરોમંડલ, સીમેન્સ, કમીન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, એક્સિસ બેન્ક જેવી કંપનીના શેરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે હિન્દાલકો, આઇડીએસી, ડાબર ઇન્ડિયા અને પીએનબી જેવી કંપનીના શેરોના ભાવ તૂટ્યા હતાં.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 624 પોઇન્ટના ઘટાડા સાથે 61181 અને નિફ્ટી 194 પોઇન્ટના ઘટાડા સાથે 18226 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની નબળાઇ સાથે 82.77 પર ટ્રેડ કરી રહ્યો છે.