બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સમાં ૧૫૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો: મેટલ, રીયલ્ટી, આઇટી, ટેકનો., કેપીટલ ગુડઝ, ઓટો, બેંક અને ઓઇલ સેક્ટરમાં ધુમ વેચવાલી
શેરબજારમાં ખુલતાની સો જ ૧૨૦૦ પોઈન્ટનો તોતીંગ કડાકો બોલી જતાં રોકાણકારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ત્યારબાદ વેચવાલીનો માહોલ જામતા બજાર ૧૫૦૦ પોઇન્ટ સુધી ગગડી ગઇ હતી. એક તરફ કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક બજારોમાં મંદીનો માહોલ છે. ત્યારે બીજી તરફ દિલ્હીમાં યેલા તોફાનો અને અમેરિકામાં ટ્રમ્પ સામેના આક્ષેપોના પગલે ભારતીય બજારમાં ગાબડુ જોવા મળ્યું છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૮૫૫૦ની સપાટીને ટચ કરીને આવ્યા હતો.
શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે સેન્સેક્સ ૧૧૧૮.૭૫ પોઈન્ટ્સ અથવા ૨.૮૧ ટકાના જંગી કડાકા સાથે ૩૮,૬૨૬.૯૧ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૩૩૯.૩૫ પોઈન્ટ્સ અથવા ૨.૯૨ ટકા તૂટીને ૧૧,૨૯૩.૯૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૩.૬૪ ટકા અને ૩.૫૧ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં બીએસઇના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, આઇટી, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.
આજે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ ૭.૪૨ ટકા, ઈન્ફોસિસ ૫.૩૮ ટકા, ટેક મહિન્દ્ર ૪.૫૯ ટકા, ખખ ૪.૩૯ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૦૭ ટકા, એસબીઆઈ ૪.૦૨ ટકા, એક્સિસ બેન્ક ૩.૮૯ ટકા, એચસીએલ ટેકનો ૩.૭૪ ટકા અને પાવરગ્રીડ ૩.૬૬ ટકાનો સમાવેશ થાય છે. ગઈકાલે ડાઉ જોન્સમાં જંગી કડાકો જોવા મળ્યો હતો. આ સ્થિતિમાં આજે ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલે તેવી ધારણા હતી.
કોરોના વાઈરસના હાહાકારને પગલે વિશ્વભરના દેશોમાં થનારી આર્થિક અસરોના ભયે વૈશ્વિક બજારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ચોતરફી વેચવાલી નીકળી હતી. બીએસઇ લિસ્ટેડ ૧,૭૦૦ શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાં મોટે ભાગે મિડકેપ અને સ્મોલકેપ શેર્સ સામેલ હતા. કોરોનાના ફટડાટથી વૈશ્વિક બજારોમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે. આ સાથે બીએસઇ લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં ₹૪,૬૫,૯૧૫.૫૮ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું.
બીએસઇમાં લિસ્ટેડ એ,બી, ટી અને ઝેડ ગ્રુપના ૩૨૩ શેર્સ ઘટીને ૫૨ સપ્તાની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઇમાં લિસ્ટેડ ૨૦૫ કંપનીઓના શેર તો દિવસની શક્ય તેટલી નીચી સપાટીને સ્પર્શી ગયા હતા.જોકે, ૨૭૪ શેર્સ બ્રોર્ડર માર્કટ ટ્રેન્ડથી સામા પ્રવાહે વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જેમાંથી, ૫૭ શેર્સમાં અપર સર્કિટ લાગી હતી. આખુ બજાર વેચવાલીના દબાણમાં ઘેરાયેલું છે ત્યારે ૨૪ શેર્સ તેની ૫૨ સપ્તાહની ટોચને સ્પર્શી ગયા હતા. આજે બપોરે ૩ વાગ્યે ઇજઊમાં ટ્રેડ થઈ રહેલી કુલ ૨,૧૨૪ કંપનીઓના શેર્સમાંથી ૨૭૪ શેર્સ પોઝિટિવ ટેરેટરીમાં ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે ૮૩ શેર્સ તેના વર્તમાન સ્તરે જળવાઈ રહ્યા હતા.
શુક્રવારે વૈશ્વિક રાહે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૪૪૯ પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ચીનમાં કોરોના વાઈરસની શરૂઆત થયા બાદ તે અન્ય રાષ્ટ્રોમાં પ્રસરતા વિશ્વભરના વૃદ્ધિ દર પર પ્રતિકૂળ અસરના ભયથી શેરબજારોમાં વેચવાલીનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બપોરે સેન્સેક્સ ૧૪૪૯ પોઈન્ટ્સ ઘટીને ૩૮૨૯૫.૭૨ જ્યારે નિફ્ટી ૪૨૯.૭૦ પોઈન્ટ્સ ઘટીને ૧૧૧૯૧.૦ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા.