સેન્સેક્સે 60 હજાર અને નિફ્ટીએ 18 હજારની સપાટી કુદાવી: ડોલર સામે રૂપીયો મજબૂત
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતાં. ઉઘડતી બજારે સેન્સેક્સે ફરી 60 હજાર અને નિફ્ટીએ 18 હજારની સપાટી કૂદાવી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો મજબૂત બનતા શેરબજારમાં તેજી પરત ફરી છે.
અમેરિકી ફેડરલ બેન્ક દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા, વિદેશી રોકાણકારો દ્વારા મૂડી રોકાણ મોટી માત્રામાં પરત ખેંચવામાં આવતા અને વૈશ્ર્વિક મંદીની અસરના કારણે ભારતીય શેરબજારમાં મંદીનું મહામોજુ ફરી વળ્યુ હતું. ગત સપ્તાહે સેન્સેક્સે 60 હજાર અને નિફ્ટીએ 18 હજારની સપાટી તોડી હતી. દરમિયાન અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો મજબૂત બનવાના કારણે આજે ઉઘડતા સપ્તાહે બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો.
આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 60724.40 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી અને 60109.94ના નીચલા લેવલે આવી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 18 હજાર પોઇન્ટની સપાટી કૂદાવતા ઇન્ટ્રાડેમાં 18101.20ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી અને 17936.15ના નીચલા લેવલે પહોંચી ગઇ હતી. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ-100માં પણ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતાં.
આજે તેજીમાં કોફોર્જ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, લૌરસ લેઇસ, ઇન્ફોસીસ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને રિલાયન્સ સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે તેજીમાં પણ વોડાફોન, આઇડીયા, ટાઇટન કંપની, ગોદરેજ અને આદિત્ય બિરલા સહિતની કંપનીના શેરોના ભાવ તૂટ્યા હતાં.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 788 પોઇન્ટના ઉછાળા સાથે 60688 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 230 પોઇન્ટના ઉછાળા સાથે 18089 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. બૂલીયન બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 34 પૈસાની મજબૂતી સાથે 82.38 પર ટ્રેડ કરી રહ્યો છે.