અમેરિકામાં મોંઘવારી ઓછી થવાના સંકેતોને પગલે ડાઉ જોન્સમાં આવેલો ઉછાળો અનેક માર્કેટને ગ્રીન ઝોનમાં લઈ ગયો
મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ગુરૂવારે અમેરિકી બજારમાં ઉછાળાની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો આજે જોવા મળ્યો છે. મોંઘવારી ઓછી થવાના સંકેત સાથે જ અમેરિકન શેરબજારમાં રોકાણકારો ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા હતા અને તેની સીધી અસર ગુરુવારે અમેરિકાના શેરબજારમાં ભારે ઉછાળા સાથે જોવા મળી હતી. અમેરિકાની મુખ્ય 30 કંપનીઓના શેરનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડેક્સ ડાઉ જોન્સમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો જ્યારે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના નાસ્ડેક અને એસ એન્ડ પી
500 ઈન્ડેક્સમાં ક્રમશ: 6 ટકા અને 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનામાં ફુગાવાના આંકડાને કારણે સ્ટોક માર્કેટમાં ભારે મંદી જોવા મળી હતી જે બાદ આ તેજી રોકાણકારોમાં નવો વિશ્વાસ ભરી રહી છે.
અમેરિકાના શેરબજાર આ વર્ષની શરુઆત સાથે જ વ્યાજ દરોમાં ભારે વધારા વચ્ચે દબાણમાં હતા. અમેરિકામાં મોંઘવારી પાછલા અનેક વર્ષના ઉચ્ચ સ્તર પહોંચી ગઈ હતી. જેના કારણે કેન્દ્રિય બેંકને આક્રમક રીતે વ્યાજ દરોમાં વધારો કરવો પડ્યો હતો. સાથે જ ગ્લોબલ સ્તરે ટેક કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડાની પણ અસર જોવા મળી હતી. જેની અસર સીધી ભારતના માર્કેટમાં પડી છે અને તેના કારણે ભારતની માર્કેટમાં આજે તેજી આવી છે.
રૂપિયો 10 પૈસાની ઐતિહાસિક મજબૂતીથી ખુલ્યો: છેલ્લાં 9 વર્ષનું શ્રેષ્ઠ ઓપનિંગ
આજે શુક્રવારે ભારતીય રૂપિયામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રૂપિયાએ પાછલા સત્રોમાં થયેલા નુકસાનને વસૂલ્યું છે. એવું માનવામાં આવે છે કે યુએસમાં અપેક્ષિત ફુગાવાના આંકડાઓ કરતાં નીચા હોવાને કારણે ડોલરમાં ઘટાડો થયો છે અને તેનાથી રૂપિયો મજબૂત થયો છે. શુક્રવારે સવારના સત્રમાં ભારતીય રૂપિયો 80.75 રૂપિયા પ્રતિ ડોલર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂપિયો 80.6888ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે પાછલા સત્રમાં તે 81.8112 પોઈન્ટ પર બંધ થયો હતો.
શુક્રવારે ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો હતો. રૂપિયામાં છેલ્લા નવ વર્ષમાં આ સૌથી મોટી ઓપનિંગ છે. રૂપિયો શુક્રવારે સપ્ટેમ્બર 2013 પછીના સૌથી મોટા ઉછાળા સાથે ખૂલ્યો હતો અને તે સાત સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.