ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે ૩૯૦૦૦ અને નિફટીએ ૧૧,૫૦૦ની સપાટી ઓળંગી
ભારતીય શેરબજારમાં આજે ફરી તેજીનો ટોન જોવા મળ્યો હતો. સેન્સેકસે ઈન્ટ્રા-ડેમાં ૩૯,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષમાં પણ આજે ઉછાળા જોવા મળ્યા હતા. નિફટીએ પણ ઈન્ટ્રા-ડેમાં આજે ૧૧,૫૦૦ની સપાટી ઓળંગી હતી. સોના-ચાંદી અને ક્રુડ ઓઈલમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૦ પૈસા મજબુત બન્યો હતો.
આજે સવારે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ તથા નિફટી ઉછાળા સાથે ખુલ્યા હતા. એશિયન બજારોમાં તેજી રહેતા ભારતીય બજારમાં પણ દિવસ દરમિયાન તેજી જળવાઈ રહી હતી. સેન્સેકસે આજે ઈન્ટ્રા-ડેમાં ૩૯,૦૦૦ની સપાટી ઓળંગી હતી અને આજે ૩૯,૦૧૦ની સપાટી હાંસલ કરી હતી તો નિફટીએ પણ ૧૧,૫૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં નવા વિશ્ર્વાસનો સંચાર થયો હતો. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્ષમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. દિવાળીનાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શેરબજારમાં શરૂ થયેલી નવેસરથી તેજીનો દોર આગામી દિવસોમાં પણ જળવાય રહે તેવું જાણકારો માની રહ્યા છે. આજે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને સોના તથા ચાંદીમાં કડાકા જોવા મળ્યા હતા તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ પૈસા મજબુત બન્યો હતો. આજે તેજીમાં યશ બેંક, આઈસર મોટર, ઈન્ડુસીન બેંક અને એસબીઆઈ બેંકનાં ભાવોમાં ૩ થી લઈ ૧૬ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો તો તેજીમાં વેદાન્તા, ગ્રાસીંગ, ટેક મહિન્દ્ર અને એચસીએલનાં ભાવો અઢી ટકા સુધી ઘટયા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કરતા દિવસભર બજારમાં તેજી જળવાઈ રહી હતી.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૪૫ કલાકે ૩૫૭ પોઈન્ટનાં ઉછાળા સાથે સેન્સેકસ ૩૮,૯૫૬ અને નિફટી ૯૯ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૫૬૩ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે રૂપિયો ૨૦ પૈસાની મજબુતાઈ સાથે ડોલર સામે ૭૧.૨૪ પર ટ્રેડ કરી રહ્યો છે.