શેરબજાર સમાચાર
શેરબજારમાં આજે તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. આજે સેન્સેકસમાં 1200થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નિફટીમાં 390 પોઇન્ટથી વધુનો વધારો નોંધાયો છે. સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલે કે સોમવારમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટના વધારા સાથે 71,900 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી પણ 390 થી વધુ પોઈન્ટ્સ ઉપર છે. તે 21,745 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ઓએનજીસીના શેરમાં 7% અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4%થી વધુનો વધારો છે. અદાણી પોર્ટ્સ અને રિલાયન્સના શેર પણ 4% વધીને ટ્રેડ થઈ રહ્યા છે.
બજારમાં તેજીના 3 કારણો જોવામાં આવી રહ્યા છે. રિલાયન્સ અને એચડીએફસી બેન્ક જેવા ઊંચા ભારવાળા શેરોના ભાવમાં વધારો, વૈશ્વિક બજારોમાં તેજીના કારણે ભારતીય બજારને સપોર્ટ મળી રહ્યો છે, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
બીજી તરફ બીએલએસ ઇ સર્વિસ લિમિટેડનો આઇપીઓ આવતીકાલે એટલે કે 30મી જાન્યુઆરીથી ખુલી રહ્યો છે. રિટેલ રોકાણકારો 1 ફેબ્રુઆરી સુધી આ માટે બિડ કરી શકશે. કંપની આ ઈસ્યુ દ્વારા રૂ.310.91 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપનીના શેર 6 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે 25 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 359 પોઇન્ટના ઘટાડા સાથે 70,700 પર બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 101 પોઈન્ટનો ઘટાડો થયો છે. 21,352ના સ્તરે બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે સેન્સેક્સ 982.56 પોઈન્ટ્સ અથવા 1.37% ઘટ્યો હતો.