શરૂઆતના કારોબારમાં નિફટી 20 હજારને પાર રહ્યા બાદ વેચવાલી થતા માર્કેટ વોલેટાઇલ થઈ રેડ ઝોનમાં સરકી
શેરબજારમાં દિવાળી પહેલા તેજી જોવા મળી રહી છે.ગઈકાલે એક જ દિવસમાં રોકાણકારોએ રૂ.3.3 લાખ કરોડની કમાણી કરી હતી. જેને પગલે માર્કેટ કેપિટલ રૂ. 324 લાખ કરોડને આંબી હતી. જો કે આજે શરૂઆતના કારોબારમાં નિફટી 20 હજારને પાર રહ્યા બાદ વેચવાલી થતા માર્કેટ વોલેટાઇલ બની રેડ ઝોનમાં ગરક થઈ છે.
આજે શેરબજારની શરૂઆત શાનદાર રહી હતી. શરૂઆતમાં સેન્સેક્સ 300 પોઇન્ટ અથવા 0.46 ટકા વધીને 67,435 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 89.85 પોઇન્ટ અથવા 0.45 ટકા વધીને 20,086 પર હતો. પીએસયુ બેન્ક અને બેન્ક નિફ્ટીમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો હતો.
ગઈકાલે અમેરિકન શેરબજારના મોટા ટેક શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. મોર્ગન સ્ટેન્લી અપગ્રેડ થયા પછી ટેસ્લા 10% ના વધારા સાથે બંધ થયું. આજે આઈફોન 15 લોન્ચ થવાને કારણે એપલના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ડાઉ જોન્સ 87 પોઈન્ટના વધારા સાથે અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ 30 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે 156 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી 2.77% ના વધારા સાથે અને કોમ્યુનિકેશન 1.77% ના વધારા સાથે બંધ થયું.
એશિયન બજારોની વાત કરીએ તો આજે અહીં મામૂલી નબળાઈ જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.6% ના ઘટાડા સાથે કામ કરતો જણાય છે. જ્યારે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. હેંગસાંગ અને શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ નબળાઈના સંકેત દેખાઈ રહ્યા છે.
વિદેશી રોકાણકારોનો પ્રવાહ વધ્યો
શેરબજારમાં છેલ્લા બે દિવસથી આવેલી તેજીએ રોકાણકારોને મોટા પ્રમાણમાં આકર્ષ્યા છે. સોમવારે સંસ્થાકીય રોકાણકારો તરફથી રોકડ બજારમાં ખરીદી જોવા મળી હતી. ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,473.09 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રૂ. 366.24 કરોડના શેર ખરીદ્યા હતા.