સેન્સેકસમાં 735 અને નિફટીમાં 175 પોઇન્ટનો કડાકો
અબતક, રાજકોટ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ભીષણ યુઘ્ધના કારણે ભારતીય શેર બજાર બરબાદ થઇ ગયું છે. રોકાણ કારોના અબજો રૂપિયાનું નિકંદન નીકળી ગયું છે. ફુડના ભાવ આસમાને આંબી ગયા છે સોના અને ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું કરચર ધાણ નીકળી ગયું હોવાના કારણે આગામી દિવસોમાં મોંધવારી માઝા મુકે તેવી દહેશત પણ વર્તાઇ રહી છે.
ભારતીય શેર બજારમાં છેલ્લા એક સપ્તાહથી સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. યુઘ્ધ ધાર્યા કરતા વધારે દિવસ ચાલતા હવે બજાર મંદિના ભરડામાં સપડાય ગયું છે. ગઇકાલે મહાશિવરાત્રીની રજા બાદ આજે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકશો કડાકા સાથે ખુલ્યા હતાં.સેન્સેકસમાં 800 થી વધુ અને નિફટીમાં 175 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો બોલી ગયો હતો રશિયા અને યુક્રેન વચ્ચેના યુઘ્ધમાં ભારતીય રોકાણકારો બરબાદ થઇ ગયા છે. યુઘ્ધના કારણે ફુડ બેરલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.
જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ધુળ ધાણી થઇ ગયો છે જેના કારણે આગામી દિવસોમાં મોંધવારી વધશે.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 735 પોઇન્ટના ઘટાડા સાથે 55511 અને નિફટી 175 પોઇન્ટના કડાકા સાથે 16618 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બુલીયન બજારમાં બે તરફી માહોલ છે. સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 30 પૈસાની નબળાઇ સાથે 75.64 પર ટ્રેડ કરી રહ્યો છે.