પ્રથમ વરસાદમાં જ ત્રણેય ઝોનનાં સિટી એન્જિનિયર, આરોગ્ય અધિકારી અને પર્યાવરણ ઈજનેરને તાકીદ કરતા ઉદય કાનગડ
ચોમાસાની સીઝનમાં સામાન્ય રીતે સફાઈ કામગીરી ખોરવાઈ જતી હોય છે અને સતત વરસાદનાં કારણે રોગચાળો પણ માથુ ઉંચકતો હોય છે. આવામાં મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે પાણી પહેલા જ પાળ બાંધી લીધી છે. આજે શહેરમાં પ્રથમ વરસાદ પડયો છે ત્યાં જ ચેરમેને ત્રણેય ઝોનનાં સિટી ઈજનેર, આરોગ્ય અધિકારી અને પર્યાવરણ ઈજનેરને સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા સ્પષ્ટ આદેશ આપી દીધો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં સામાન્ય રીતે રોગચાળો વધુ વકરતો હોય છે અને સફાઈ કામગીરીનાં અભાવે ગંદકી પણ વધુ થતી હોય છે. આવામાં આ વર્ષે ચોમાસામાં રોગચાળો માથુ ન ઉંચકે તે માટે આજે મહાપાલિકાનાં સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનનાં સિટી એન્જીનીયર, આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારને શહેરમાં સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી વધુ સુદ્રઢ બનાવી દેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. વરસાદમાં જે-જે વિસ્તારોમાં પાણી ભરાય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે નિયમિત દવાનો છંટકાવ કરવા, ફોગીંગ કરવા અને જરૂર જણાય ત્યાં દિવસમાં બે વખત સફાઈ કામગીરી માટે સુચના આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસામાં કોલ સેન્ટરમાં પાણી ભરાયાની, ડ્રેેનેજની છલકાવવાની અને સફાઈને લગતી વધુ ફરિયાદ નોંધાતી હોય છે. આવામાં કોલ સેન્ટરમાં નોંધાતી ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા પણ સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી છે. જરૂર જણાશે તો આગામી દિવસોમાં તમામ શાખાનાં અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે અને ફરી ચોમાસામાં વોર્ડ વાઈઝ સફાઈ અભિયાન પણ હાથ ધરાશે.