રાજયમાં કોરોનાની સ્થિતિને લઈ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધો.૯ થી ૧૨માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકશે તેમ શિક્ષણવિદ પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા. તેથી કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા. જે બાબત ધ્યાને લઈને ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં તા.૩૧/૦૧/૨૦૨૧ સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી પ્રવેશ આપી શકાશે તેમ જણાવેલ હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને ઉકત બાબતે મળેલ રજુઆતોને ધ્યાને લેતા કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ ૯ થી ૧૨માં પ્રવેશથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને તા.૨૮/૦૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે. કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે પાંચ વાર મુદત લંબાવવામાં આવેલ હોય તેમજ પ્રવેશની કામગીરી પણ શાળાકક્ષાએ પૂર્ણ થઈ જ ગયેલ હોય જે બાબત ધ્યાને લેતા પ્રવેશ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓના હિતમાં આ છેલ્લી તક આપવામાં આવે છે તેમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે.