માતા તો માતા કહેવાય પછી તે સગી માતા હોય કે સાવકી ત્યારે રાજ્યમાં માતૃત્વને લાંછન લગાડવાની ઘટના સામે આવી છે જેમાં સાવકી માતાએ 7 વર્ષના માસુમને વધુ તોફાન કરતો હોવાથી ગરમ ચિપિયા વડે ડામ આપ્યા હતા. આ સમગ્ર મામલે વીડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરુ કરી હતી અને પોલીસે માતા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના મહીસાગર જીલ્લાના લુણાવાડાની છે જ્યાં મધવાસ દરવાજા વિસ્તારમાં સાવકી માતા કુલસુમબીબીએ અત્યંત ક્રુરતા અપનાવીને પોતાના ૭ વર્ષના પુત્ર કુરબાન હુસૈનને ઘરમાં વધારે તોફાન કરતો હોવાથી ચીપિયા વડે ડામ દીધા હતા. ગરમ ચીપીયા વડે ડામ આપવાથી તેને શરીર ઉપર છાલા પડી ગયા હતા અને બંન્ને પગના થાપાના ભાગે ગરમ કરેલા ચીપીયા વડે માર મારવાથી છાલા પડી ગયેલ હતા તેમજ ડાબી આંખ ની નીચેના ભાગે કાળુ ચાંઠું પડી ગયેલ હતુ.તથા કમ્મરના ભાગે તથા માથાના ભાગે ઇજા થઈ હતી ત્યારે બાળકને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બાળકના પિતાએ ૨૦૨૨માં કુલસુમબીબી સાથે કર્યા હતા બીજા લગ્ન
મહમદઅલી હબીબભાઇ વરાળીયાના પહેલા લગ્ન જરીના માંકણજીયા સાથે વર્ષ ૨૦૧૪માં થયા હતા અને તેમને બે છોકરાઓ છે જેમા મોટો કુરબાન હુશેન અને તેનાથી નાનો ઇજાજ હુશેન પરંતુ ત્યારબાદ જરીના સાથે મારે મનમેળ નહી રહેતા વર્ષ ૨૦૨૦મા સામાજીક રીતે તલાક લીધા હતા અને વર્ષ ૨૦૨૨ કુલસુમબીબી સાથે બીજા લગ્ન કર્યા હતા. કુલસુમબીબીના પણ પહેલા લગ્ન થયેલા હોવાથી તેમને પણ ૨ દીકરીઓ હતી અને બધા જ સાથે રહેતા હતા.
પિતાને શાળામાંથી ફોન આવતા થઈ બાળકની આવી હાલત વિશે જાણ
પિતા મહમદઅલી ઉમરગામ સેફરોન રેસ્ટોરન્ટમા છેલ્લા ત્રણેક વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓ એક મહીનો નોકરી કર્યા બાદ પંદર દિવસની રજામાં બાળકો સાથે સમય વિતાવે છે ત્યારે તેઓ ૩ જાન્યુઆરીના રોજ નોકરી પર ગયા હતા ત્યારે ૮ ફેબ્રુઆરીના રોજ બાળકની શાળામાંથી ફોન આવતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા અને બાળકને માતાએ અત્યંત ક્રુરતાથી ડામ આપવામાં આવ્યા હતા તેની જાણ થઈ હતી.
પિતા લુણાવાડા આવેલા અને સમાજ રાહે સમાધાનના પ્રયાસો કરેલા. તે દરમિયાન વીડિયો વાયરલ થયેલો અને વીડિયો વાયરલ થતા પોલીસને ધ્યાને આવતા આ આરોપીને શોધતા તેઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. દીકરાના જે પિતા મહમદઅલીની ફરિયાદ લેવામાં આવેલી છે. કિશોર ન્યાય અધિનીય 2015 અને આઈ.પી.સી અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તપાસ ચાલુ છે.