શહેરના તમામ વોંકળાઓની સફાઈ થઈ ગઈ હોવાનો મેયરનો દાવો ખોટો: દિલીપ આસવાણી
પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત મહાપાલિકા દ્વારા શહેરમાં તમામ વોંકળાઓની સફાઈ થઈ ગઈ હોવાનો મેયર બીનાબેન આચાર્યનો દાવો પોકળ સાબિત થયો છે. સ્ટેન્ડિંગ કમિટીના વર્તમાન ચેરમેન ઉદયભાઈ કાનગડ અને પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૪માં વોંકળામાં ગંદકીના ગંજ ખડકાયા છે. અહીં વોકળાની સાઈટ વિઝીટ માટે કોંગી કોર્પોરેટરોએ શાસકોને લેખિતમાં આમંત્રણ પાઠવ્યુંછે તેમ વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણીએ જણાવ્યું છે.
તેઓએ ઉમેર્યું છે કે, શહેરના વોર્ડ નં.૩ અને ૧૪ માંથી પસાર થતા વોંકળામાં ગંદકીના ગંજ છે. પરસાણાનગર, ઝુલેલાલ નગર, હંસરાજનગર, લાખાબાપાની વાડી, કોઠારીયા કોલોની, હાથીખાના, કુંભારવાડા અને પુજારા પ્લોટના વોંકળામાં આજે પણ બેસુમાર ગંદકી છે જયારે નટેશ્વર મંદિર પાસેના વોંકળામાં ૪ થી ૫ ફુટ જેટલો કાદવજોવા મળે છે.
મેયર એવો દાવો કરી રહ્યા છે કે શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે તમામ વોંકળાની સફાઈ થઈ ગઈ છે તેનો આ દાવો ખોટો છે. આજની તારીખે મોટાભાગના વોંકળામાં ગંદકી જોવા મળી રહી છે.