1930માં સૌપ્રથમ એનાબોલિક સ્ટિરોઈડનું ઉત્પાદન કરવામાં આવેલું: હાડકાં તથા સ્નાયુનો વિકાસ, ભૂખ લાગવી, તરૂણાવસ્થામાં યોગ્ય પોષણ પુરૂ પાડવા માટે એનાબોલિક સ્ટિરોઈડનો ઉપયોગ દવા તરીકે થવા લાગ્યો. 1950માં સોવિયેત વેઈટ-લિફટર્સ સ્ટિરોઈડને જીમઅખાડામાં ઈસ્તેમાલ કરવા માંડયા. દસ વર્ષની અંદર તો દરેક એથ્લેટ સ્ટિરોઈડનું સેવન કરતો થઈ ગયો: આ બાબત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈ.ઓ.સી.)ના ધ્યાનમાં આવતાં તેમણે સ્ટિરોઈડનાં સેવન પર પ્રતિબંધ લાદ્યો
આજકાલ યુવાનો પોતાની ફિટનેસ માટે વધુ જાગૃત થઈ ગયા છે, જે સારી વાત છે. પરંતુ દેશી અખાડામાં કસરતો કરીને મોટા થયેલા બાપને છોકરાનાં જીમ વિશે ઝાઝી ગતાગમ નથી અને છોકરાઓ અખાડામાં કરાવાતી કસરતોને ‘અનકુલ’ માને છે! બોલિવૂડ હીરોના સિક્સ-પેક એબ્સ અને મસલ્સ જોઈને દરેકને એમનાં જેવું જ બોડી જોઈએ છે અને એ માટેની મહેનત પણ ચાલુ થઈ જાય છે, પરંતુ અંધાધૂંધ દિશામાં!
જીમમાં જોવા મળતા કસરતબધ્ધ શરીરો યુવાનોના મનમાં કયાંક ઈન્ફિયોરિટી કોમ્લેક્સ પેદા કરે છે. જીમ ટ્રેનર્સ પણ આ લઘુતાગ્રંથિનો બરાબર ફાયદો ઉઠાવે છે. પ્રોટીન પાઉડર, ક્રિએટીન અને સ્ટિરોઈડ્સનાં ચલણે હવે, યુવાનોની મહેનતમાં નેવું ટકાનો ઘટાડો કરી દીધો છે. માત્ર ત્રણ અઠવાડિયાની અંદર સિક્સ પેક બનાવો, જાડા થાઓ, પાતળા થાઓ, વજન ઉતારો જેવી જાહેરાતો હવે ચોકેચોકે જોવા મળે છે. જીમ શરૂ કર્યાના બીજા કે ત્રીજા દિવસે જ જીમ-ટ્રેનર દ્વારા પ્રોટીનપાઉડર કે પછી સ્ટિરોઈડ ટેબ્લેટ્સનું સૂચન કરવામાં આવે છે. ઉતાવળિયા યુવાનો જલ્દીથી સિક્સ-પેક મેળવી લેવાનાં ચકકરમાં હજારો રૂપિયા ખર્ચીને સ્ટિરોઈડનું સેવન પણ ચાલુ કરી દે છે! કોઈ દિવસ વિચાર્યું છે કે સ્ટિરોઈડ શરીરમાં કેવી-કેવી આડ અસરો પેદા કરી શકે છે?
છેલ્લા થોડા સમયથી ‘એનાબોલિક સ્ટિરોઈડ્સ’નું પ્રમાણ વધ્યું છે. જેને પુરૂષ હોર્મોન-ટેસ્ટોસ્ટેરોન સાથે સરખાવવામાં આવે છે. ફરક માત્ર એટલો જ છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન શરીર જાતે જ કરે છે, જયારે એનાબોલિક સ્ટિરોઈડ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન બહારથી ઉમેરવાનું કામ કરે છે. પરંતુ આના લીધે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ એટલી હદે વધી જાય છે કે હોર્મોનલ ગ્રંથિ તેનું રૂપાંતર એસ્ટ્રોજન (સ્ત્રી હોર્મોન)માં કરવા લાગે છે. જેથી પુરૂષનું પૌરૂષત્વ જોખમમાં મુકાઈ જાય છે. ગમે તેટલો ફિટ અને સિક્સ-પેક એબ ધરાવનારો વ્યકિત પણ નપુંસક થઈ શકે છે. હા, સ્ટિરોઈડ લેવાથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ જરૂર વધે છે. ઉપરાંત સ્નાયુઓનો પણ વિકાસ થાય છે. પરંતુ આ બોડી ગ્રોથ લટકામાં હાય-બ્લડપ્રેશરથી માંડીને હૃદયરોગ સુધીની બિમારી પણ લાગુ પડી શકે છે.
સ્ટિરોઈડ બે પ્રકારે લેવામાં આવે છે, ટેબ્લેટ અને ઈન્જેકશનનાં રૂપમાં! બંનેની અલગ-અલગ સાઈડ ઈફેક્ટ્સ છે. સ્ટિરોઈડ ટેબ્લેટ ખૂબ જલ્દીથી લોહીમાં ભળીને ટેસ્ટોસ્ટેરોનના સ્તરને નીચું કરી નાંખે છે. આથી હવે નવા સ્ટિરોઈડ શોધાયા છે. જે ધીરે ધીરે લોહીમાં ભળી ટેસ્ટોસ્ટેરોનના સ્તરને જાળવી રાખે છે. પણ આના લીધે શરીરની બંને કિડનીને નોર્મલ કરતા વધુ વખત ચયાપચયની ક્રિયા કરવી પડે છે. જેથી લાંબા ગાળે કિડનીફેઈલ્યોરનાં ચાન્સ વધી જાય છે.
શરીરમાં એસ્ટ્રોજનનું ઉત્પાદન અટકાવવા અને ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ જાળવી રાખવા માટે યુવાનો હવે અલગથી દવાઓ તેમજ ઈન્જેકશન લે છે! ખરેખર તો તેમણે સ્ટીરોઈડ લેવાનું જ બંધ કરવું જોઈએ. પરંતુ એવું થતું નથી! નપુસંકતાથી બચવા માટે તેઓ આજકાલ સ્ટિરોઈડની સાથો સાથ ટેમોક્સિફેન નામની દવા લે છે, જે પુરૂષમાં એસ્ટ્રોજનને કારણે વધી રહેલા સ્તનોનો વિકાસ અટકાવે છે. સમસ્યાં ત્યાં છે કે ટેમોક્સિફેનની પોતાની પણ બીજી ઘણી સાઈડ ઈફેકટ્સ છે! સ્ટિરોઈડ લઈને બોડી બનાવનાર યુવાનો સમાજમાં છડેચોક આ વાતનો ઢંઢેરો નથી પીટતા. તેમને ઓળખવા માટે કેટલીક ખાસ નિશાનીઓ છે જેને જોઈને કોઈપણ કહી શકે કે સામેવાળો માણસ સ્ટિરોઈડ લે છે કે નહીં! પહેલી વાત તો એ કે આવા બોડી બિલ્ડરનું પેટ ધીરે-ધીરે ફૂલતું જાય છે. તમે ઘણાબધા બોક્સર્સ અને એથ્લિટને ટીવી પર જોયા હશે, જેમના પેટ ફૂલી ગયા હોય અને છાતી વધારે પડતી બહાર આવી ગઈ હોય. 1988ની સાલમાં સિયોલ ઓલિમ્પિકસ વખતે 100 મીટર રેસનાં વિજેતા બેન જોહન્સનનો સ્ટિરોઈડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેને કોમ્પિટિશનમાંથી ડિસ્ક્વોલિફાય જાહેર કરી દેવામાં આવ્યો હતો. એ સમયથી જ સ્ટિરોઈડનું સેવન કરનારને લૂઝર-હારેલો માનવામાં આવે છે. લંડનમાં એનાબોલિક સ્ટિરોઈડ ફકત ડોકટર કે પછી કોઈ ઓથોરાઈઝ્ડ વ્યકિતનાં પ્રિસ્ક્રિપ્શન પર જ આપવામાં આવે છે. ગેરકાયદેસર રીતે સ્ટિરોઈડ સપ્લાય કરનાર વ્યકિતને ચૌદ વર્ષની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે.
સ્ટિરોઈડને લીધે, શરીરના વિવિધ અંગો પર થનારી જુદી-જુદી અસરોમાં આ મુખ્ય છે:-
(1) સ્ટિરોઈડ લેતી વ્યકિતનું મગજ સતત ગુસ્સામાં રહે છે. તેનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે. મગજનાં કોષો ધીરે-ધીરે ખવાતાં જાય છે. ત્યાં સુધી કે વ્યક્તિને આત્મહત્યા કરવાના વિચારો આવે એવું પણ કેટલાક કિસ્સાઓમાં નોંધવામાં આવ્યું છે.
(2) શરીરમાં સતત બહારથી ઠલવાતાં હોર્મોનને કારણે વાળ ખરવાની સમસ્યામાં વધારો થાય છે. માથાનાં આગળનાં ભાગમાં ટાલ આવી જાય છે.
(3) ચહેરા પર ખીલ નીકળવાનું ચાલુ થઈ જાય છે. આ સમસ્યા એટલી હદે વધી શકે કે એક સમયે આખો ચહેરો બેડોળ દેખાવા લાગે.
(4) સ્ટિરોઈડનાં કારણે લોહીમાંથી શ્વેતકણોનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ કમશ: ઓછી થતી જાય છે. બહારનાં કિટાણુઓ વ્યક્તિને તરત જ બિમાર બનાવી શકે છે. શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ શરીરમાં ઘર કરી જાય છે.
(5) પુરૂષની છાતી અસામાન્ય રીતે વધવા માંડે છે.
(6) લોહીનું ઊંચુ દબાણ (હાઇ બ્લડપ્રેશર) અને હૃદય રોગ જેવી બિમારીઓ લાગુ પડી શકે છે.
(7) હાથ પર મારવામાં આવતાં સ્ટિરોઈડનાં ઈન્જેક્શન ટેબ્લેટ કરતાં પણ વધુ ખતરનાક પૂરવાર થઈ શકે છે. કેટલીકવાર એકને એક ઈન્જેક્શનને ઉપયોગ વારંવાર કરવામાં આવે તો, હિપેટાઈટીસ-બી તથા સી અને એચ.આઈ.વી. જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત એક જ બાવડા પર ઘણા લાંબા સમય સુધી અપાતાં ઈન્જેક્શનને કારણે હાથનાં સ્નાયુઓમાં ઈન્ફેક્શન આવી શકે છે.
(8) સ્ટિરોઈડને ધીરે-ધીરે લોહીમાં ભળતું કરવા માટે લિવર (યકૃત) અને કિડની (મૂત્રપિંડ) જરૂર કરતાં વધુ કામ કરે છે જેથી લાંબા ગાળે ઑર્ગન ફેઇલ્યોર અને કેન્સર થવાનો ડર ઉભો થાય છે.
(9) શરીરના બાંધા કરતા પેટ અપ્રમાણસર ફૂલતું જાય છે. ઉલ્ટી-ઉબકાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.
(10) પુરૂષોનાં વૃષણમાં શુક્રાણુંઓનું ઉત્પાદન ઓછુ થવા લાગે છે. જે તેને કાયમી નપુસંક બનાવી શકે છે.
આ સિવાયની પણ ઘણી અસરો છે જે હજુ કદાચ મેડિકલ જગતની સામે જ નથી આવી. એક સારી વાત એ પણ છે કે આ તમામ આડઅસરો રીવર્સિબલ છે.
ભારતના મેટ્રોસિટીમાં હવે ફિટનેસ પ્રત્યે લોકોને ખાસ્સી સમજ આવી ગઈ છે અને તેઓ સ્ટિરોઇડની આડ-અસર વિશે જાણતાં પણ થયા છે. બે વયજૂથમાં લોકો હજુ પણ સ્ટિરોઇડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. એક તો એવા યુવાનો, જેમનું શરીર કસરત કરવા છતાં યોગ્ય રીતે વિકસી નથી શક્યું અને બીજું ત્રીસી વટાવી ચૂકેલા લોકો જેમની પાસે કસરત માટે સમય નથી અને તેઓ ઓછી મહેનતે સારા દેખાવા માંગે છે. બોલિવૂડમાં એવી ઘણી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે પચાસનો આંકડો વટાવી ચૂકેલા શાહરુખ-સલમાન પણ ડ્રગ્સ અને સ્ટિરોઈડનું સેવન કરે છે! આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, એ તો રામ જાણે પણ અત્યારની સ્થિતિ જોતાં એટલું તો કહી જ શકાય કે એક દશકા પહેલા સ્ત્રીઓ પર સારૂ દેખાવાનું જેટલું દબાણ લાદવામાં આવ્યું હતું. એ જ થિયરી હવે પુરુષોને પણ લાગુ પડવા માંડી છે. દરેક વ્યક્તિ માટે મીડિયમ કે લાર્જ-સાઈઝના ટી-શર્ટમાં ફિટ આવવું અગત્યનું થઈ ગયું છે. કોઈને એકસ્ટ્રા લાર્જ નથી થવું અને આ માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર થઇ ગયા છે.
યુટ્યુબ પર ઘણા ફિટનેસ બ્લોગર્સ પોતાની ચેનલ ચલાવે છે. જેમાંની અડધોઅડધ ફિટનેસ ચેનલો અને તેમાંના વિડીયો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અને ગેરમાર્ગે દોરે તેવી સલાહ આપે છે. વિડીયોમાંના દરેક વ્યક્તિને જોઈને તેની બધી વાતોને સાચી માની લેવાની જરૂર નથી. સત્યની ખાતરી કર્યા સિવાય કોઈ પણ પગલું ઉઠાવવું મૂર્ખામીભર્યું સાબિત થઈ શકે તેમ છે. વિડીયોમાં દેખાડવામાં આવતી કોઇપણ પ્રોડક્ટ કે દવાઓને માત્ર માર્કેટીંગ ખાતર રજૂ કરવામાં આવતી હોય એવું પણ બની શકે છે. ગુરૂ માન, બીયર બાયસેપ્સ, તરૂણ ગીલ, શ્રેયસ કામથ, અભિનવ મહાજનની ઑથેન્ટિક ચેનલ્સ પણ યુટયુબ પર ઉપલબ્ધ છે. જેના પરથી તમે કોઇપણ માહિતી સર્ચ કરી શકો છો. બાકી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ફિટનેસ એક આદત હોવી જોઈએ, શો-ઓફ્ફ નહી!
વાઇરલ કરી દો ને
ફિલ્મોમાં, સિરિયલમાં અને બધા ચિત્રોમાં હંમેશા પુરૂષને બોડીબિલ્ડર અને સ્ત્રીને પણ સંપૂર્ણ ફિટ બોડી સાથે બતાવાય છે. શું એક વ્યક્તિ ફક્ત તેના બોડીશેપથી જ જજ્જ થઇ શકે??