સાંડેસરા ગ્રુપને વિદેશમાં ૧૦૦ થી વધુ કંપનીઓ
રૂ.૮૧૦૦ કરોડના બેંક લોન કૌભાંડના આરોપી વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના માલિકને આર્થિક ગુનેગાર ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે, સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેષ પટેલને ભાગેડુ આર્થિક ગુનાની કાયદાની કલમ ૪ હેઠળ ભાગેડુ જાહેર કરવા માટે અરજી કરવામાં આવી હતી.
આ કાયદા હેઠળ ભાગેડુની સંપતિ તાત્કાલિક જપ્ત કરવામાં આવે છે. બેંકો સાથે છેતરપિંડીના મામલે તપાસ શ થતા જ ઉપરોકત આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા. ઈડીએ માંગ કરી કે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરીને વડોદરાના વેપારી પરીવારની ભારત અને વિદેશમાં સ્થિતિ રૂ.૭૦૦૦ કરોડથી વધુની સંપતિ જપ્ત કરવામાં આવે.
તપાસમાં ઈડીએ જણાવ્યું કે, ગ્રુપના પ્રમોટર્સ છેતરપિંડીની રકમ વિદેશોમાં મોકલાવી દીધી હતી. સાંડેસરા ગ્રુપની યુએઈ, અમેરિકા, બ્રિટન, બ્રિટીશ વર્જીન આઈલેન્ડ, મોરેશિયસ અને નાઈજિરીયા જેવા દેશોમાં ૧૦૦ થી વધુ કંપનીઓને ખડકલો છે આ મામલે ઈડીએ અત્યાર સુધી ૧૯૧ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી છે.