- તેલ ઉત્પાદકો અને ખેડૂતોની માંગણીનો સ્વીકાર કરતી કેન્દ્ર સરકાર: આયાત થતા રિફાઇન્ડ ઓઇલ પર હાલ વસૂલાતી 13.50%ની ડ્યુટી વધારીને 35.50% કરાય જ્યારે રો-ઓઇલ પર 5.50 ટકા વસૂલાતી ડ્યુટી વધારીને 27.50 ટકા કરાય
- આયાતી ખાદ્ય તેલની માંગ ઓછી થશે સ્થાનિક તેલની માંગ વધશે: ખાદ્ય તેલના ભાવમાં વધારો થવાની પણ સંભાવના
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના તેલિબીયાના ઉત્પાદકો અને તેલ મીલરોની લાંબા સમયથી કરવામાં આવતી માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. ભારતમાં અન્ય દેશોમાંથી આયાત કરાતા ખાદ્ય તેલ પર હાલ વસૂલવામાં આવતી આયાત ડ્યુટીમાં 22 ટકા સુધીનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ખાદ્ય તેલની આયાત પર અંકુશ લાગશે અને સ્થાનિક ઉત્પાદનની માંગમાં વધારો થશે. આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થવાની સંભાવના જણાઇ રહી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ-2022થી ખાદ્ય તેલોની આયાત પર ડ્યુટી વસૂલવામાં આવી રહી છે. દેશમાં મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત થતી હોય ગુજરાતના તેલ મીલરો અને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલ પર હાલ વસૂલવામાં આવતી ઇમ્પોર્ટ ડ્યુટી વધારવા માટે માંગણી કરવામાં આવી રહી છે. જેનો સ્વિકાર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. હાલ રિફાઇન્ડ એટલે કે તૈયાર ખાદ્ય તેલ પર 13.50 ટકા આયાત ડ્યુટી વસૂલવામાં આવે છે. જે વધારીને 35.50 ટકા કરવામાં આવી છે. જ્યારે આયાત થતા રો-ઓઇલ પર હાલ વસૂલવામાં આવતી 5.50 ટકાની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી 27.50 કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સ્થાનિક ખાદ્ય તેલની માંગમાં વધારો થવાની શક્યતા જણાઇ રહી છે. આયાત ડ્યુટી વધવાના કારણે હવે અન્ય દેશોમાંથી ખાદ્ય તેલ મંગાવવું મોંઘુ પડશે. જેના કારણે સ્થાનિક ખાદ્ય તેલની માંગમાં વધારો થશે. તેલીબિયાનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેની જણસીના પર્યાપ્ત ભાવ મળી રહેશે. જ્યારે તેલ ઉત્પાદકોને પણ પૂરતા પ્રમાણમાં માર્કેટ મળશે.
- આયાત ડ્યુટીમાં વધારો કરવાના કેન્દ્ર ,સરકારના નિર્ણયને આવકારતા સમીર શાહ
- નવી સિઝન શરૂ થવામાં છે ત્યારે આયાત ડ્યુટીમાં વધારો થવાથી તેલ ઉત્પાદકો સાથે ખેડૂતોને પણ ફાયદો થશે
- સોમાના પૂર્વ પ્રમુખ સમીરભાઇ શાહે ખાદ્ય તેલ પર હાલ વસૂલ કરવામાં આવતી આયાત ડ્યુટીમાં 22 ટકા સુધી વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્ય તેલને તેલિબિયા સંગઠનના
તમામ સભ્યો, ખાદ્યતેલ પરની આયાત જકાત પર વધારો કરવાના નિર્ણયને વધાવ્યો છે. આ વધારો તેલિબિયા પકવતા કિસાનો અને મરણપથારીએ પડેલ લોકલ તેલ ઉદ્યોગો માટે ખુબ જરૂરી હતો. આ અંગે અનેક રજુઆતો પણ કરી હતી. આ વધારાથી ખાદ્યતેલની આયાત ઘટશે અને લોકલ પ્રોડક્સ તેલનો વપરાશ વધશે. જેના કારણે મસ્ટર્ડ સીડ અને સોયાબીન સીડનો મોટો જથ્થો જે કેરી ફોરવર્ડ થાય છે તે ઉપયોગ થઈ જશે. સ્વદેશી તેલિબિયાઓનો મોટો ખરીફ પાક જ્યારે બજારમાં આવવાની તૈયારીમાં છે ત્યારે આ જકાત વધારે અતિ આવશ્યક હતો. આનાથી સરકાર ની આવકમાં વધારો થશેને તે અતિરિક્ત ધનરાશી ઘર આંગણે પાકતા તેલિબિયાનું ઉત્પાદન વધારવાના પ્રયાસોમાં છુટથી વાપરી શકાશે. આયાત ડ્યુટી વધવાથી તેલના ભાવો 20% વધે તેવુ નથી. તેલ નિર્યાત કરતા દેશોમાં આ પગલાને કારણે ભાવો નીચા આવી શકે છે. જેથી આયાત પડતરમા ઘટાડો થશે. અત્યાર સુધી આપણા ખેડુતોના ભોગે વિદેશી ખેડુતોને મળતો લાભને પ્રોત્સાહન બંધ થશે.