આ પ્રસિદ્ધ પંક્તિઓનો કદાચ સૌ કોઈને પરિચય હશે: ‘કાયર મનના માનવીને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી…’ જેનું મન અડગ હોય, ગમે તેવી પરિસ્થિતિઓ કે સંજોગો જેના મનને ચળાવી શકવા સમર્થ ન થઈ શકે, તે મનુષ્યો જ ખરેખર જીવન જીવી ગયા કહેવાય.
પરંતુ આ મનને અડગ રાખવું કઈ રીતે? કોઈપણ અચલ વસ્તુને તેના મજબૂત પાયાનો ટેકો હોય છે. તેમ, મનને અડગ-અચલ રાખવા માટે કોઈક સારા વિચારોનો ટેકો લે, તો કોઈ સારા પુસ્તકોનો ટેકો લે; કોઈક વિવિધ સાધનોનો ટેકો લે, તો કોઈક મનોરંજનના ઉપકરણોનો ટેકો લે… બરાબર છે, આવા ટેકા હોઈ શકે. પરંતુ શું કોઈ એવો ફૌલાદી ટેકો મળે? કે જે ટેકો એકવાર લીધા પછી બીજા ટેકાની જરૂર જ ન પડે?
કુરુક્ષેત્રમાં, મહાભારતના મહાસંગ્રામ વખતે અર્જુનની જે પરિસ્થિતિ હતી, તે કંઈક આવી જ હતી. અર્જુન પોતાના જ ભાઈ-ભાંડુઓને, પોતાના કુટુંબીજનોને, પોતાના ગુરુજનો કે વડિલોને જોઈને અત્યંત નિરાશ થઈ જાય છે. મારે આ લોકો સામે લડવાનું? આ મહારથીઓને મારવાના? પોતાની ફરજ બજાવવા જતાં અર્જુન ભાંગી પડે છે એવા સમયે તે ટેકો લે છે પોતાના પ્રિય મિત્ર શ્રીકૃષ્ણ ભગવાનનો. તે શ્રીકૃષ્ણ પરમાત્માને કહે છે: ‘હે ભગવન્! મારું શરીર ધ્રૂજે છે, મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી રહ્યું છે. મારા સર્વે અંગો શિથિલ થઈ ગયા છે. હું યુદ્ધ કરવા અસમર્થ છું.’ એ વખતે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને શ્રીમદ્ભગવદ્ગીતાનો ઉપદેશ આપીને બેઠો કરે છે અને અંતે અર્જુન યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થાય છે. ભગવાનના ટેકાથી ભાંગી પડેલો અર્જુન બેઠો થઈ શક્યો.
હવે અર્જુનની અને આપણી પરિસ્થિતિ વચ્ચે ફેર એટલો કે અર્જુનને રણમેદાનમાં યુદ્ધ ખેલવાનું હતું, જ્યારે આપણે જીવનનું યુદ્ધ ખેલવાનું છે. સફળતા-નિષ્ફળતા, સુખ-દુ:ખ, હાર-જીત, ઉતાર-ચડાવ, વગેરે સંજોગોરૂપી સંગ્રામમાં અડગ રહેવાનું છે.
તો જાણીએ વાત એવા અર્જુનની, જે જીવનસંગ્રામમાં અડગ રહ્યો. વાત છે વલસાડના કોસંબા ગામના યુવાન ઘનશ્યામ ટંડેલની. 26 વર્ષની વયના આ યુવાનની દાસ્તાન હૈયું કંપાવી દે એવી છે. યુવાનને એક દિવસ જમણી બાજુના ખભામાં જરા દુ:ખાવો ઉપડ્યો. પહેલા તો એણે બહુ ધ્યાન ન આપ્યું પણ દ:ખાવો વધતાં ડોક્ટરને બતાવ્યું. નિદાનમાં જણાયું કે ખભામાં કેન્સર છે. તેથી ઓપરેશન કરી ખભાનું હાડકું કાઢી નાખ્યું. લગભગ 7 મહિના બાદ ફરી તપાસ કરતાં ખબર પડી કે બચેલું હાડકું આખું ખવાઈ ગયું છે.
એટલે ફરી ઓપરેશન કરીને આખા હાથનાં હાડકાં કાઢી નાખવામાં આવ્યાં. હવે ફક્ત માંસના લોચા સાથે એ યુવાનનો હાથ ટકી રહેલો. કેટલી દયનીય સ્થિતિ. પણ આ તો કસોટીની શરૂઆત માત્ર હતી. ત્રણ મહિના બાદ અંદર ગાંઠો થવાની શરૂ થઈ. એટલે મુંબઈ જઈ ત્રીજું ઓપરેશન કરી લોખંડનો જોઇન્ટ ફીટ કરવામાં આવ્યો. પણ થોડાં જ વખતમાં તો એ જોઈન્ટની આજુબાજુ પણ ગાંઠો થઈ અને પાકી ગયું. એટલે ચોથું ઓપરેશન કર્યું. પણ હજી જાણે કંઈક ખૂટતું હોય એમ થોડાં સમયમાં તો લોખંડનો જોઇન્ટ ખભામાંથી બહાર આવી ગયો.
એટલે પાંચમું ઓપરેશન કરી જોઇન્ટ ફરી બેસાડવામાં આવ્યો. પરિસ્થતિ વધુને વધુ વકરતી જતી હતી. તેથી ડોકટરોની સલાહ મુજબ છઠ્ઠું ઓપરેશન કરી આખો જમણો હાથ કાઢી નાખવામાં આવ્યો. છતાં ખભામાં 3-4 જેટલી ગાંઠો થઈ. તેથી સાતમું ઓપરેશન કરી ખભાનો ભાગ પણ કાઢી નાખ્યો.
આટઆટલું થયા પછી તો કોઈની પણ ધીરજ ખૂટી જાય. પણ આના ઉપરાંત ખભાની અંદરના ભાગમાં ગાંઠો થઈ તો આઠમું ઓપરેશન કરી ગળા સુધીનો ભાગ કાપ્યો. ત્યારબાદ પીઠ ઉપર ગાંઠો થઈ તો નવમું ઓપરેશન કરી એ ભાગ પણ કાઢ્યો. અને એ ઓપરેશનની જગ્યાએ ફરી ગાંઠો થઈ તો દસમું ઓપરેશન કરી એ ભાગ પણ કાઢી નાખવામાં આવ્યો.
કલ્પનામાં પણ ન બેસે એવી ભયંકર પરિસ્થિતિઓમાંથી પસાર થયા પછી પણ સલામ છે એ યુવાનની અડગતાને કે તે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ઉજવાયેલા ઉત્સવમાં સ્વયંસેવક તરીકેની સેવામાં હોંશે હોંશે જોડાયો! કોઈકે તેને પૂછ્યું કે ‘તને એવું નથી લાગતું કે ભગવાન તારી સાથે અન્યાય કરી રહ્યા છે? તારી રક્ષા કેમ નથી કરતા?’ ત્યારે એ યુવાને ખુમારી સાથે જણાવ્યું કે ‘મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ છે. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની મને તેમણે પ્રેરણા આપી છે. ભગવાને મારી રક્ષા તો કરી જ છે, નહીં તો હું આજે તમારી સામે જીવતો ન હોત… મને પળે-પળે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા મળતી રહી છે.’
જી હા, બીજા બધા ટેકા પ્લાસ્ટિકના, લાકડાના, થર્મોકોલના, સિમેન્ટના કે અન્ય કોઈ પણ પદાર્થના હોઈ શકે. પણ જેણે-જેણે ભગવાન અને સંતનો આશ્રય કર્યો છે તેમને ફૌલાદી ટેકો મળ્યો છે, એ તમામને મન અડગ રાખવામાં ક્યારેય તકલીફ પડી નથી.
તો ચાલો, આપણે પણ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે બીજા બધા ટેકા છોડી ભગવાન અને સંતનો ફૌલાદી ટેકો અપનાવીએ અને જીવનના સંગ્રામમાં આપણા વિજયને નિશ્ચિત બનાવીએ.