મહિલા સરપંચે કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગને કરેલી લેખિત રજૂઆતમાં ઘટસ્ફોટ
મૂળી તાલુકાના ગઢડા ગામે ભૂમાફિયાઓએ બેફામ ખોદકામ કરી ગૌચર અને ખરાબાની જમીન ખોદી નાખી છે. આથી સ્થાનિક સરપંચે ખનિજચોરી અટકાવવા રજૂઆત કરી છે. તમામ ગામોમાં ગૌચરની જમીનમાં બેરોકટોક ખાણો ધમધમી રહી છે.
ગઢડાનાં મહિલા સરપંચ વિલાસબબેન વિષ્ણુભાઈ સોરમિયાએ કલેકટર અને ખાણ-ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે ગઢડા ગામે સરકારી ખરાબાની જમીન અને ગૌચરની જમીનમાં સફેદ માટી અને કોલસાની ખાણો ધમધમી રહી છે. અનેક રજૂઆતો કરવાં છતાં આજ સુધી તંત્ર દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ આ વિસ્તારમાં રોજ ડમ્પરો 50 ટન સફેદ માટી ભરીને મોરબી તરફ લઈ જવાતાં હોય છે. રોજ 200 ટ્રકના ફેરા આવી રીતે થાય છે તેમજ માટી અને કોલસાનું ખોદકામ કરી ગુજરાતના વિવિધ ભાગોમાં જાય છે, માટે સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ઉપરાંત પશુપાલકોનાં પશુને ગૌચરની જમીનમાં ચરિયાણ બંધ છે અને કોલસાની ખાણોમાં કે જે 120 ફૂટ ઊંડાઈ ધરાવે છે, તેમાં પશુઓ પડીને મૃત્યુ પામે છે, માટે પશુપાલકો ચિંતિત બન્યા છે. ખેડૂતોનાં ખેતરોમાં જવાના રસ્તા પણ ખોદી કાઢવામાં આવેલા છે. ખેતર સુધી ખેડૂતોનાં ટ્રેક્ટર જઈ શકતાં નથી અને કુદરતી વરસાદનાં પાણીનાં વહેણ બદલાઈ ચુક્યા છે, તેના કારણે ઊભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની થઈ રહી છે.
કોલસાની ખાણમાં પાણી ઉલેચવા માટે મોટરો વપરાય છે અને તેમાં પણ લંગરિયા થકી વીજચોરી થાય છે. અને કોલસાની ખાણોમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જીલેટીન વિસ્ફોટ કરવામાં આવે છે, તેનાં કારણે ખાણથી 5 કિલોમીટર દૂર સુધી ધ્રૂજારી અનુભવાય છે અને મકાનોમાં તિરાડો પડી ગઈ છે. ખેડૂતોને પાણીનાં ટાંકા તૂટી જાય છે, બોર પણ બુરાઈ જાય છે. આ કારણે ખેડૂતો આ ખાણોથી હેરાનગતિ અને આર્થિક નુકસાની વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ખનિજચોરી બંધ કરાવવા સરપંચે રજૂઆત કરી છે.