રાજસ્થાન, યુપી અને હરિયાણાના સરહદી વિસ્તારમાં સક્રિય થયેલી ‘જામતારા’ ગેંગનો સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં તરખાટ
ટેકનોલોજીના આધુનિક યુગમાં હવે ગુનેગાર અને ગુન્હાના પ્રકાર પણ આધુનિક થઈ ગયા છે. હવે ગુન્હો આચરવા માટે ક્યાંય જવાની જરૂરિયાત રહી નથી. સોશ્યલ મીડિયા મારફત હવે સાયબર ફ્રોડ ક્ષણભરમાં દુનિયાના એક છેડેથી બેસીને બીજા છેડે આચરી લેવામાં આવે છે. હાલ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને હાલ અનેક રીતે આર્થિક ઉચાપત કરી લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ હાલ ન્યૂડ કોલનો શિકાર બનાવી મોટી રકમ પડાવી લીધાની ઘટનાઓમાં મોટો ઉછાળો નોંધાયો છે.
ન્યૂડ કોલ એટલે સોશ્યલ મીડિયામાં પ્રથમ યુવતીનો બોગસ એકાઉન્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ ટાર્ગેટ કરાયેલી વ્યક્તિને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવે છે. ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ થોડી વાતચીત કરીને વોટ્સએપ નંબર મેળવી તરત જ વિડીયો કોલ કરવામાં આવે છે. વિડીયો કોલમાં સામે રહેલી યુવતી અશ્લીલ હરકત કરે છે અને આ આખો કોલ રેકોર્ડ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ રેકોર્ડીંગ વાયરલ કરી બદનામ કરી દેવાની ધમકી ઉચ્ચારી મોટી રકમ પડાવી લેવામાં આવે છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારના ગુન્હાનો ભોગ બનનારા લોકોની સંખ્યા ખૂબ ઝડપે વધી રહ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો એક અંદાજ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દરરોજ આ પ્રકારના ગુનાની ૨૫ જેટલી અરજીઓ આવી રહી છે. તેમાં પણ આ પ્રકારના ગુન્હામાં મોટી રકમ ગુમાવી ચૂકેલા લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે.
સાયબર ફ્રોડની જ્યારે વાત થતી હોય ત્યારે ઝારખંડ જિલ્લાના જામતારા જિલ્લાને ભૂલી શકાય નહીં.આ જિલ્લાના લોકો સોશ્યલ મીડિયા મારફત સાયબર ફ્રોડ આચરવામાં ઉસ્તાદ થઈ ગયા છે. અહીંથી સેંકડો લોકો સાથે સાયબર ફ્રોડ આચરી લેવામાં આવ્યું છે. જામતારા ગેંગનો શિકાર બનેલા પીડિતોમાં ધારાસભ્ય, સાંસદો અને અધિકારીઓ પણ બાકાત નથી. આ ગેંગ સાયબર ફ્રોડ માટે દેશભરમાં જામતારા ગેંગ તરીકે ઓળખાય છે જેમની પાછળ ૨૨ રાજ્યની પોલીસ પડી છે અને હવે આ પ્રકારની જ ગેંગ ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં સક્રિય થઈ છે.
ઉત્તર પ્રદેશના મથુરા, રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના મેવાતના ત્રિકોણીયા વિસ્તારમાં ફસાઈને મોટા મોટા લોકો પોતાની સંપત્તિ ગુમાવી રહ્યા છે. સાયબર ઠગની જામતારા ગેંગ ઝડપથી વિસ્તરી રહી છે. જેમ જેમ દેશ ડિજિટલ થઈ રહ્યો છે તેમ તેમ જામતારા ગેંગની નવી શાખાઓ ખુલી રહી છે. મથુરા, ભરતપુર અને મેવાતનો ત્રિકોણ વાસ્તવમાં આ નવી શાખાઓથી બનેલો છે.
યુપી પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં તપાસ કરવામાં આવેલા સાયબર ક્રાઈમના કેસોમાં ઓછામાં ઓછા ૪૦૦ કેસ આ ત્રિકોણ સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. યુપી સાયબર સેલના એસપી ત્રિવેણી સિંહનું કહેવું છે કે, ગુંડાઓ તેમના પુરૂષ પીડિતોને વાંધાજનક સ્થિતિમાં મૂકીને તેમની પાસેથી પૈસા પડાવવામાં માહિર બની ગયા છે. તેમણે કહ્યું કે, ‘નકલી પોર્ન વીડિયો બનાવીને તેઓ પોતાના ટાર્ગેટને ફસાવે છે અને ત્યારબાદ ૫૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયાની માંગ કરે છે. ઘણા ઠગ તો મુંબઈ, કોલકાતા જેવા મહાનગરોના પીડિતો સાથે કડકડાટ અંગ્રેજી બોલે છે.
તાજેતરમાં જ લખનઉનો એક બિઝનેસમેન સેક્સટોર્શનનો શિકાર બન્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. જે બાદ તેના વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો હતો. ૧૫ સેકન્ડના વીડિયો કોલમાં યુવતીએ તેના કપડા ઉતાર્યા અને અશ્લીલ વાત કરી પછી કોલ ડિસ્કનેક્ટ કર્યો. થોડીવાર પછી બિઝનેસમેનને અન્ય એક ફોન આવ્યો. જે કોલમાં બિઝનેસમેન પાસે ૩૦ લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું.
જો પૈસા ન આપવામાં આવે તો યુવતી સાથેનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. જે મામલામાં આરોપીઓને મેવાતમાંથી પકડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૦૦ લોકોએ સાયબર સેલમાં ફરિયાદ કરી છે. તેમાં ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના એક વરિષ્ઠ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ તમામ વીડિયો કોલ પર યુવતીના કપડા ખોલીને ગંદી વાત કર્યા બાદ પૈસાની માંગણી કરતો કોલ આવ્યો હતો.
સેક્સટોર્શન અને ઈ-કોમર્સ સાઇટ્સ થકી કરાય છે નાણાંકીય ઉચાપત
નાણાંકીય ઉચાપત માટે સાયબર ફ્રોડો મુખ્યત્વે બે રસ્તાઓ અજમાવી રહ્યાનાં અહેવાલો છે. જેમાં સેક્સટોર્શન અને ઈ-કોમર્સ સાઇટ્સનો સમાવેશ થાય છે. એકબાજુ વિડીયો કોલમાં યુવતી દ્વારા કરવામાં આવેલી કઢંગી અને અશ્લીલ હરકતોનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી થકી નાણાંકીય ઉચાપત કરવામાં આવે છે. બીજી બાજુ ઈ-કોમર્સ સાઇટ્સ પર નજર રાખીને બેઠા સાયબર ફ્રોડો બોગસ એકાઉન્ટ બનાવી પોતાને ગ્રાહક તરીકે ઓળખાવે છે.
વેચનાર પાસે વસ્તુની કિંમત નક્કી કર્યા બાદ તેઓ પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલે છે અને ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ વેચનાર પૈસા લેવાની જગ્યાએ મોટી રકમ ગુમાવી બેસે છે. લખનઉ અને નોઈડામાં લાંબા સમયથી સાયબર સેલ સાથે સંકળાયેલા પોલીસ અધિકારી વિવેક રંજન રાયનું કહેવું છે કે, સેક્સટોર્શન અને ઈ-કોમર્સ સાઈટ્સ દ્વારા છેતરપિંડી માટે ખાસ જાણકારીની જરૂર નથી. જામતારા ગેંગ લોકોને સમજાવી ફોસલાવી પોતાનો શિકાર બનાવે છે
આર્મીમેનની ઓળખ આપી છેતરપિંડી આચરવાનો નવો કીમિયો !!
હાલ સાયબર ફ્રોડો લોકોને વિશ્વાસમાં લેવા નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. ત્યારે ઈ-કોમર્સ સાઇટ્સ પર છેતરપિંડી આચરવા માટે તેઓ હવે આર્મીમેન તરીકેનું એકાઉન્ટ ઈ-કોમર્સ સાઇટમાં બનાવે છે. તે પોતાનો નકલી બેજ નંબર, બટાલિયનનું નામ, પોસ્ટિંગનું સ્થળ પણ આપે છે અને આઈડી સાથે યુનિફોર્મમાં ફોટો પણ અપલોડ કરે છે જેથી લોકો સરળતાથી વિશ્વાસમાં આવી જાય છે. ત્યારબાદ ઈ-કોમર્સ સાઇટ પર સેકન્ડ હેન્ડ બાઇક, કાર, ગેજેટ્સ અથવા રોજિંદા વસ્તુઓના વેચાણકરતાં લોકોને શિકાર બનાવે છે.
તાજેતરમાં એક નિવૃત બેંક મેનેજર સાથે રૂ.૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમણે એક માસ જૂનો ડબલ ડોર ફ્રીજ ૫૦ હજારમાં વેચવા પોસ્ટ મૂકી હતી. તેમનો વિશ્વાસ જીતવા માટે ઠગએ એક આર્મી વ્યક્તિ તરીકેની ઓળખ આપી હતી. ઠગએ તેમના ખાતામાં ૧૦૦ રૂપિયા જમા પણ કરાવ્યા હતા. જે બાદ તેણે કહ્યું કે તે બોર્ડર એરિયામાં પોસ્ટેડ હોવાથી નેટવર્કની સમસ્યા છે અને પેમેન્ટ થઈ રહ્યું નથી. જેથી તે ક્યુઆર કોડ મારફત પેમેન્ટ કરશે. ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ ખાતામાંથી ૫ લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
અજાણ્યા નંબર પરથી આવતા વિડીયો કોલ ઉપાડવા નહીં : ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી – ક્રાઇમ)
ન્યૂડ કોલ થકી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને શિકાર બનાવી લેવામાં આવ્યાની વિગતો હાલ સામે આવી રહી છે. જો કે, ભોગ બનનારા પૈકી ૫૦%થી વધુ લોકો આ અંગે પોલીસને જાણ કરતાં નથી. ત્યારે આ મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ આ પ્રકારના કેસો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ નોંધાઇ રહ્યા છે.
આ પ્રકારની ફરિયાદોમાં સાયબર પોલીસ જે નંબર પરથી ફોન આવે તે નંબરને ટ્રેસ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરે છે. જો નેટવર્ક બ્લેકસ્પોટ જણાય તો એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નો કરવામાં આવે છે. તેમણે રાજકોટની પ્રજાને અપીલ કરતા કહ્યું હતું કે, કોઈ પણ અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવે તો બિલકુલ ઉપાડવા જોઈએ નહીં. મોટાભાગે આ વીડિયો કોલ ન્યૂડ હોય છે ત્યારે તેનાથી બચવું જોઈએ અને તેમ છતાં જો કોઈ ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ તેમણે અપીલ કરી છે.
ન્યૂડકોલનો શિકાર બનતા લોકોમાં ૩૦ થી ૪૦ ટકાનો ધરખમ ઉછાળો
ન્યુડ કોલ અંગે રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વી.એમ. રબારીએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ન્યુડ કોલ થકી ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાના ગુનાઓમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પ્રકારના કાવતરામાં ફસાઈને નાણાં ગુમાવનાર અરજદારોની સંખ્યામાં ૩૦ થી ૪૦% નો ઉછાળો નોંધાયો છે. તેમાં પણ ખાસ મોટી રકમ ગુમાવનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ન્યુડ કોલ કરવા માટે વાપરવામાં આવતું સીમકાર્ડ કોઈક ત્રાહિત વ્યક્તિના નામનું જ હોય છે જેમને સમગ્ર મામલાની જાણ માત્ર પણ હોતી નથી. ત્યારે ખરા અર્થમાં આ પ્રકારનું કાવતરું કરનાર લોકોને પકડવા ખૂબ જ પડકારજનક હોય છે.
તેમ છતાં પણ પોલીસ લોકેશન ટ્રેસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનેગારોને પકડી નાણાં રિકવર કરવા સહિતની કામગીરી કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રકાર અજાણ્યા નંબર માંથી વીડિયો કોલ આવે તો ક્યારેય રિસીવ કરવા ન જોઈએ. જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવમાં આવી હોય તો ગજતના બન્યાની તુરંત બાદ જ પોલીસને જાણ કરી દેવી જોઈએ જેના લીધે નાણાં રિકવર કરવાની શકયતા વધુ હોય છે.
‘ઘરે બેઠા દર મહિને હજારો રૂપિયા કમાઓ’ : નાણાં પડાવવાનો નવો કીમિયો
હાલ સોશિયલ મીડિયામાં ઘરે બેઠા દર મહિને હજારો રૂપિયા કમાઇ શકાય તે પ્રકારની લોભામણી જાહેરાતો મૂકીને પણ લોકોને છેતરી લેવામાં આવે છે. મેમ્બરશીપ અને ઓળખપત્ર આપવાના નામે મોટી રકમ પડાવવા સાયબર ફ્રોડ આ કીમિયાનો ઉપયોગ કરી એ રહ્યા છે. ત્યારે આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી વી એમ રબારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની અનેક લોભામણી જાહેરાતો સોશિયલ મીડિયામાં મૂકીને નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
ત્યારે લોકોએ આ પ્રકારની લોભામણી લાલચમાં ફસાવવું નહીં. તેમણે કહ્યું હતું કે, પૈસા કમાવવા માટે ક્યારેય શોર્ટકટ હોતો નથી તેથી ગઠિયાઓની આ પ્રકારની લોભામણી જાહેરાતો ફક્ત છેતરપિંડી સુધી દોરી જનારી હોય છે તેથી આવી જાહેરાતો જોઈને કોઈએ નાણાંકીય વ્યવહાર કરવો નહીં.
સાયબર ફ્રોડથી બચવા શું કરવું ?
- સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પ્રાઇવેટ મોડમાં મૂકવું જરૂરી
- ઓળખ છુપાવવા માટે વીપીવન નો ઉપયોગ કરવો
- ખાસ કરીને મોબાઈલમાં એન્ટી માલવેર ઈન્સ્ટોલ કરો
- પૈસા મેળવવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી તે હંમેશા યાદ રાખવું. જો કોઈ તમને પૈસા આપવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહે છે, તો સમજો કે તે ૧૦૦% છેતરપિંડીનો પ્રયાસ છે
- ક્યુઆર કોડ સ્કેન કરીને ક્યારેય પણ એપ ડાઉનલોડ કરશો નહીં. એપને ફક્ત ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો
- ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી પણ જે વેબસાઇટ ખુલે છે તેના યુઆરએલ પર ધ્યાન આપો. જો બધું બરાબર જણાય તો તમારા બેંક ખાતાની વિગતો દાખલ કરો. જો તમને સહેજ પણ શંકા હોય, તો તેને બિલકુલ કાસ્ટ કરશો નહીં
- ક્યુઆર કોડ દ્વારા ચુકવણી માટે પૂછતી કંપનીની વિગતો તપાસો એટલે કે, તમારી ચુકવણી ક્યાં જશે તે બરાબર જુઓ
- ક્યુઆર કોડ સ્કેન કરીને વેબસાઇટ સુધી પહોંચવાનું ટાળવું. બ્રાઉઝરમાં ટાઇપ કરીને વેબસાઇટ્સ ખોલવી જોઈએ