કચ્છના આદિપુરમાં આવેલી અંગ્રેજી માધ્યમની મૈત્રી ઉચ્ચતર વિદ્યાલયમાં બીજા છાત્ર સાથે અથડાઈ જવાની નજીવી બાબતમાં ધોરણ દસના છાત્રએ ૧૧માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીના ડાબા પડખામાં ચાકુ મારી દેતાં ચકચાર મચી ગઈ છે. આજે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અંગ્રેજી માધ્યમમાં ૧૧મા ધોરણમાં ભણતો ૧૭ વર્ષનો વિદ્યાર્થી રીશેષમાં બાથરૂમમાં પેશાબ કરવા જતો હતો. તે દરમિયાન પગથિયા ચઢતી વેળાએ તેની પાછળ જઈ રહેલો દસમા ધોરણનો વિદ્યાર્થી અથડાઈ પડતા તેને ધક્કો લાગ્યો હતો. આ મુદ્દે બંને છાત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને દસમા ધોરણના વિદ્યાર્થીએ તેના ખિસ્સામાં રહેલું ચપ્પુ કાઢીને તેના ડાબા પડખે કમરના ભાગમાં મારી દીધું હતું. ચપ્પુ વાગ્યા બાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ જતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઘટનાની તપાસ કરી રહેલાં આદિપુરના પીએસઆઈએ જણાવ્યું કે, દસમાનો છાત્ર ક્ષણિક આવેશમાં આવી જઈને આ કૃત્ય આચરી બેઠો હતો. ચપ્પુની સ્પ્રિંગ બગડેલી હોઈ તે રીપેર કરાવવા સાથે લઈને આવ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે અને તે ગંભીર ઈજાથી બચી ગયો છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૬, ૫૦૪ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે, ચપ્પુ મારનાર છાત્ર સગીર વયનો હોઈ તેને ભુજ ચિલ્ડ્રન રીમાન્ડ હોમના હવાલે કરવામાં આવશે. આ ઘટનાએ કચ્છની શૈક્ષણિક આલમમાં ભારે ચકચાર સર્જી છે.