મોટાભાગની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલો સંસ્કૃત વિષય ગુજરાતીમાં ભણાવતી હોવાની દલીલ બાદ બોર્ડ દ્વારા લેવાયો આશ્ચર્યજનક નિર્ણય
ધો.૧૦ ઈંગ્લીશ મીડિયમ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિર્દ્યાથીઓને બોર્ડમાં સંસ્કૃત વિષયની પરીક્ષા ગુજરાતીમાં આપવાની છુટ અપાઈ છે. આ નિર્ણયને ઐતિહાસિક ગણવામાં આવે છે. ઈંગ્લીશ મીડિયમનાં છાત્ર સંસ્કૃતની પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકે તે વાત આશ્ચર્યજનક છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (જીએસએચએસઈબી) દ્વારા તાજેતરમાં આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૦ના માર્ચમાં લેવાનારી ધો.૧૦ની આ પરીક્ષામાં એક જ વખત છૂટ અપાશે તેવું માનવામાં આવે છે. થોડા સમય પહેલા કેટલાક વાલીઓ દ્વારા આ માંગ બોર્ડ સમક્ષ મુકવામાં આવી હતી. છાત્રો ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણતા હોવા છતાં રાજ્યની કેટલીક સેલ્ફ ફાયનાન્સ સેકન્ડરી સ્કૂલ સંસ્કૃતનો અભ્યાસ બાળકોને ગુજરાતી ભાષામાં કરાવતી હોવાની દલીલ વાલીઓ દ્વારા બોર્ડ સમક્ષ મુકાઈ હતી. જેના પરિણામે ગુજરાત સેકન્ડરી હેન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોર્ડના આ આશ્ર્ચર્યજનક નિર્ણય બાદ અનેક તર્કવિતર્ક ઈ રહ્યાં છે. હાલ સેકન્ડરી એજ્યુકેશનમાં હિન્દી અને સંસ્કૃત વિષયનો વિકલ્પ આપવામાં આવે છે. રાજ્યમાં ૧૦૦૦ સ્કૂલો ઈંગ્લીશ માધ્યમની છે. જેમાં ૬૦,૦૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જે પૈકીના ૨૫૦૦૦ જેટલા બાળકોએ ધો.૧૦માં સંસ્કૃત વિષય પસંદ કર્યો હતો. તેમને બોર્ડની પરીક્ષામાં ઈંગ્લીશ ભાષામાં જવાબ આપવામાં તકલીફ પડે તેવી દહેશતના પગલે તેમની માટે ગુજરાતી ભાષામાં જવાબ આપવાની છુટ અપાઈ છે.શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓને આ મુદ્દે લેખીત આદેશ અપાયો છે. સરકારના નિર્ણયની તમામ સેકન્ડરી સ્કૂલોને જાણ કરવામાં આવી છે. ગત વર્ષે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે, જે વિર્દ્યાથી જે ભાષામાં ભણતો હોય તે ભાષામાં જ તેને પરીક્ષામાં જવાબ આપવાનો રહેશે. જેના પરિણામે હવે બાળકો સંસ્કૃત ભાષાનું પેપર ગુજરાતી ભાષામાં આપી શકે છે.